- ડેરા ઈસ્માઈલ ખાનના એક પોલીસ સ્ટેશનમાં થયો હુમલો
- ઈમારતોના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો
- તહરીક-એ-તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન વિસ્તારમાં આત્મઘાતી હુમલામાં 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલો ડેરા ઈસ્માઈલ ખાનના એક પોલીસ સ્ટેશનમાં થયો હતો. અહેવાલ મુજબ વિસ્ફોટના કારણે 3 રૂમ ધરાશાયી થઈ ગયા છે અને ઈમારતોના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.
તહરીક-એ-તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. તમને જણાવી દઈએ કે આ આતંકી સંગઠન અફઘાનિસ્તાનની તર્જ પર પાકિસ્તાનમાં સરકાર બનાવવા માંગે છે. આ કારણોસર તે સતત સરકારી વિભાગો અને અધિકારીઓને નિશાન બનાવી રહી છે.
કેવી રીતે થયો હુમલો?
અહેવાલ અનુસાર, ફિદાયીન એક વાહનમાં પોલીસ સ્ટેશનના ગેટમાં ઘૂસ્યો હતો. ગેટ પર પહોંચતા જ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં ખૈબર પખ્તુનખ્વામાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 101 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાની ન્યૂઝના અહેવાલ અનુસાર, પોલીસે બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.
ભૂતકાળના હુમલાઓ
પાકિસ્તાનમાં વરંવાર હુમલાઓની ઘટનાઓ બને છે અને છેલ્લા એક વર્ષમાં આતંકવાદ સંબંધિત 1050 ઘટનાઓ બની છે જેમાં 470 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રાંતના લગભગ 1823 લોકોએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યા છે. ખૈબર પખ્તુનખ્વા વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદે છે. 1050 આતંકવાદી ઘટનાઓમાંથી 419 ઘટનાઓ બંધોબસ્તી જિલ્લામાં બની હતી. જ્યારે ફાટામાં 631, ઉત્તર વજીરસ્તાનમાં 201 અને પેશાવરમાં 61 આતંકવાદી ઘટનાઓ બની હતી.


