૪૪ બસોએ ૯૩ ટ્રીપ મારી, રૂ.૫૪ લાખની કમાણી કરી
વેકેશનમાં ગરમીનો પ્રકોપ વધતાની સાથે એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટ એસટી બસ પોર્ટથી ઉપડતી વાતાનુકૂલીન બસોમાં પણ પેસેન્જરનો ધસારો જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં એસી બસની વધતી મુસાફરીથી રાજકોટ બસ પોર્ટની આવકમાં પણ વધારો થયો છે.પાચ દિવસમાં 23,000 મુસાફરોએ મુસાફરી કરતા આવક પણ વધવા પામી છે.
અ અંગે પ્રાપ્ત વિગત મુજબ શાળાઓમાં વેકેશનનો માહોલ જામતા જ બહારગામ જતા મુસાફરોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટ એસટી બસ પોર્ટની વાત કરીએ તો શહેરમાં પડતી કાળઝાળ ગરમી સામે એ.સી. બસોમાં ઓનલાઈન બુકિંગ અને મુસાફરોની સંખ્યાનો આંકડો સતત ઉપ ચડતો દેખાઈ રહ્યો છે. રાજકોટ એસટી બસપોર્ટ પરથી લાંબા અંતર માટે ૨૧ વોલ્વો તો ઓછા અંતર માટે ૨૩ ઈલેક્ટ્રીક બસ કુલ ૯૩ જેટલી ટ્રીપ પર દોડી રહી છે. આ તમામ બસોમાં એસી હોવાના કારણે હાલનું ટેમ્પરેચર જોતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. એસી બસોમાં તા.૧૫થી ૨૦ મે સુધીમાં કુલ ૨૩,૦૦૦ મુસાફરોએ મુસાફરી કરી છે. જેના કારણે એસટી વિભાગને આ બસની ટ્રીપો દ્વારા રૂ.૫૪,૦૦,૦૦૦ની આવક થઈ છે. જેમાંથી ૧૩,૦૦૦ પેસેન્જરોએ ટિકીટો ઓનલાઈન જ બુક કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે રાજ્યમાં ભારે ગરમી પડતી હોવાના કારણે મુસાફરો બને ત્યાં સુધી દિવસના સમયે મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે અને રાત્રીના ઉપડતી બસોમાં મુસાફરી કરવાનુ પસંદ કરી રહ્યા છે.


