- મહેસાણા પાલિકા દ્વારા 30 સ્થળોએ શેરડીના કોલા માટે જગ્યા ફળવવા હરાજી કરાઈ
- હરાજીમાં ભાગ લેનારમાં સૌથી ઊંચી બોલી બોલનારાને જગ્યાની ફળવણી કરવામાં આવે
- 1.50 લાખ સુધીની અપસેટ વેલ્યુ નક્કી કરી હરાજી કરવાની જાહેરાત કરાઈ હતી
મહેસાણા નગરપાલિકા દ્વારા દર વર્ષે ઉનાળાની સીઝનમાં આવકનો સ્ત્ર્રોત ઉભો કરવા માટે શેરડીના કોલા અને ઠંડા કોલ્ડરિંગસ માટેની હંગામી જગ્યા ફળવવામાં આવે છે. જે માટે પાલિકા તંત્રના જમીન ભાડા શાખાના આગોતરા આયોજન મુજબ જગ્યાની ફળવણી માટે રસ ધરાવતા લોકોને હરાજીમાં ભાગ લેવાની તક આપવામાં આવે છે. હરાજીમાં ભાગ લેનારમાં સૌથી ઊંચી બોલી બોલનારાને જગ્યાની ફળવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ઉનાળાની સિઝનમાં શેરડીના કોલા માટેની 30 જગ્યાઓ પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવી હતી. જેમાં 25000થી લઈ 1.50 લાખ સુધીની અપસેટ વેલ્યુ નક્કી કરી હરાજી કરવાની જાહેરાત કરાઈ હતી. આ હરાજીમાં 37 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 30 પૈકીની 21 જગ્યાઓ પર બોલી બોલાતા પાલિકાને કુલ 18.44 લાખની આવક બોલાઈ હતી. જ્યારે 9 જગ્યાઓ પર કોઈએ ખાસ રસ દાખવ્યો ન હતો જેને લઈ તે જગ્યાઓ ફળવવાની પેન્ડિંગ રહી હતી. પાલિકા દ્વારા ગત વર્ષે 29 જગ્યા માટે હરાજી કરતા 23 જગ્યા સામે 14 લાખ જેટલી આવક નોંધાઈ હતી. જ્યારે 7 જગ્યા પેન્ડિંગ રહી હતી. આમ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પાલિકાને 4 લાખ જેટલી વધુ આવક જોવા મળી હતી.


