– આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં વધારો તથા ટીસીએસના નવા નિયમની અસર જોવાઈ
Updated: Nov 18th, 2023
મુંબઈ : આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં વધારો તથા ટેકસેસન નિયમોમાં ફેરબદલને પરિણામે રિઝર્વ બેન્કની લિબરલાઈઝડ રેમિટેન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આઉટવર્ડ રેમિટેન્સિઝ ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ ૨૬.૦૯ ટકા ઊંચુ રહ્યું હતું.
ગયા નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૭.૩૨ અબજ ડોલરના આઉટવર્ડ રેમિટેન્સિઝની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં વિદેશમાં મોકલાયેલા નાણાંનો આંક ૯.૨૩ અબજ ડોલર રહ્યો હતો, એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.
વિદેશમાં સ્થાઈ મિલકત ખરીદવા રેમિટેન્સિઝની માત્રા ૫૬.૫૩ ટકા વધી ૬.૦૩ કરોડ ડોલર રહી હતી. ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આ આંક ૩.૮૫ કરોડ ડોલર રહ્યો હતો. આજ પ્રકારે ઈક્વિટી તથા ઋણ સાધનોમાં રોકાણનો આંક ૯૦ ટકા વધી ૩૬.૦૫ કરોડ ડોલર રહ્યો હતો.
એલઆરએસ ટેકસ સ્કીમમાં ઓકટોબરથી ફેરબદલ થવાની અપેક્ષાએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં મિલકત તથા ઈક્વિટીઝ ખરીદીમાં વધારો જોવા મળ્યો હોવાનું માનવામાં આવે છે.
શિક્ષણ તથા તબીબી સારવાર સિવાયના અન્ય હેતુઓ માટે રૂપિયા સાત લાખથી વધુના રેમિટેન્સિઝ પરનો ટીસીએસ (ટેકસ કલેકટેડ એટ સોર્સ) જે અગાઉ પાંચ ટકા હતો તે વધારી વીસ ટકા કરવા સરકારે નિર્ણય કર્યો હતો.
વિદેશમાં અભ્યાસ માટે નાણાં મોકલવાની માત્રામાં ૧.૮૭ ટકા ઘટાડો થયો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વિદેશમાં અભ્યાસ માટે કુલ ૧.૧૫ અબજ ડોલરનું રેમિટેન્સ કરાયું હતું.