ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યારસુધીમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવેલા ગુજરાતના માછીમારોના સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ દ્વારા રાજ્યસભામાં આ માહિતી આપવામાં આવી હતી.
અંદાજિત 123 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા
મંત્રીએ જણાવ્યું હતું કે, કેલેન્ડર વર્ષ 2025 દરમિયાન, અત્યાર સુધીમાં ગુજરાતના 18 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે 01 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના અંદાજિત 123 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. જ્યારે કેલેન્ડર વર્ષ 2024માં ગુજરાતના એક પણ માછીમારને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ન હતા, જે પૂર્વે 2023માં 432 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા.
કોન્સ્યુલર ઍક્સેસ મેળવવા તાત્કાલિક કાર્યવાહી કરાઈ
આ અંગે વિગતવાર જણાવતા, મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય માછીમારોની સલામતી, સુરક્ષા અને કલ્યાણને ભારત સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ભારતીય માછીમારોની ધરપકડની ઘટનાઓની જાણ થતાં જ, ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન દ્વારા પાકિસ્તાન સરકાર પાસેથી કોન્સ્યુલર ઍક્સેસ મેળવવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. કોન્સ્યુલર એક્સેસ દરમિયાન, ભારતીય હાઈકમિશનના અધિકારીઓ પાકિસ્તાની જેલોમાં કેદ ભારતીય/ ભારતીય મનાતા માછીમારોની મુલાકાત લે છે, જેથી તેમની સુખાકારી વિશે જાણી શકાય અને રોજિંદા વપરાશની ચીજોનું તેમનામાં વિતરણ કરી શકાય.
ભારતીય માછીમારોને તેમની બોટ મુક્ત કરવા સહિત તેમની વહેલી મુક્તિ અને પરત સ્વદેશ મોકલવા માટે કાનૂની સહાયતા સહિતની તમામ શક્ય મદદ કરવામાં આવે છે. પાકિસ્તાન સરકાર સમક્ષ સતત આ મુદ્દો ઉઠાવાય છે, જે દર્શાવે છે કે આ મુદ્દાને ફક્ત માનવતા અને આજીવિકા રળવાના પ્રયાસના ધોરણે વિચારણા હેઠળ લેવામાં આવે.
માછીમારો અને નાગરિક કેદીઓની યાદીની આપ-લે કરે છે
ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરી તેમજ 1 જુલાઈના દિવસે પરસ્પર જેલમાં બંધ એકબીજાના માછીમારો અને નાગરિક કેદીઓની યાદીની આપ-લે કરે છે. 1 જાન્યુઆરી, 2025ના રોજ પરસ્પર આપવામાં આવેલી યાદી અનુસાર, પાકિસ્તાન દ્વારા 217 ભારતીય/ ભારતીય મનાતા માછીમારોની કસ્ટડી પોતાની પાસે હોવાનો સ્વીકાર કર્યો હતો.
આ યાદીઓના આદાન-પ્રદાન પછી, માર્ચ 2025 સુધીમાં એક ભારતીય માછીમારનું મૃત્યુ થવાનો તેમજ 22 ભારતીય માછીમારોને મુક્ત કરીને ભારત પરત મોકલવામાં આવ્યા હોવાનો અંદાજ છે. હાલમાં પાકિસ્તાનમાં કેદ બાકીના 194 ભારતીય/ ભારતીય મનાતા માછીમારોમાંથી, 123 માછીમારો ગુજરાતી/ગુજરાતના હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ 123માંથી 33 માછીમારની 2021માં; 68 માછીમારોની 2022માં; 09 માછીમારોની 2023માં; અને 13 માછીમારોની 2024માં ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – Putin India Visit: એક જ કારમાં જોવા મળ્યા મોદી-પુતિન, જુઓ ફોટોસ


