ગેમ ઝોનમાં ફાયર ઇકવીપમેન્ટ ઇન્સ્ટોલ કર્યા વિના જ NOC આપી દીધુ : તાત્કાલીક સસ્પેન્ડ કરવા માંગણી
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં 33 બાળકોની જીંદગીનો ભોગ લેનાર ભીષણ આગ દુર્ઘટનાનો મુખ્ય વિલન રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર છે. ઘટના સ્થળે આગનું કવરેજ કરવા ગયેલા ચેનલના પત્રકારોએ ફાયર સેફટીની તપાસ કરતાં ફાયર ઇકવીપમેન્ટ ઇન્સ્ટોલ કર્યા વગરના એક ખૂણામાં પેટીપેક પડયા હતા. તેના પ્લાસ્ટીકના પેકીંગ પણ ઉતારવામાં આવ્યા ન હતા. પાઇપ છે તે ગેમ ઝોનમાં અલગથી પડયા હતા. કોઇપણ જાતના ઇન્સ્ટોલેશન વગર ત્રણેક વર્ષથી ધમધોકાર ચાલતું આ ગેમીંગ ઝોન ફાયર એનઓસી મેળવવામાં સફળ રહ્યું હતું.

ચીફ ફાયર ઓફિસર ખેરે કયાં સંજોગોમાં ટીઆરપી ગેમ ઝોનના માલિકો પર આ કૃપા કરી હતી તેવો પ્રશ્ન મૃતકોના પરિવારજનોમાં ઉઠવા પામ્યો છે. કેટલાક મૃતકોના પરિવારજનોએ ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સામે તેમના સંતાનોની હત્યા સહિતની કલમોનો ગુનો નોંધાવવાની પણ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. સોની બજારના વેપારી અશ્વીનભાઇ ભૂતના જણાવ્યા મુજબ તેઓ આ અંગે સરકારને ખાસ અરજી કરી ફાસ્ટટ્રેક કોર્ટમાં આ ભીષણ દુર્ઘટનાનો કેસ ચલાવવા માંગણી કરનાર છે. જેને 3૦ દિવસમાં કેસ પૂર્ણ કરી ચુકાદો આવી જાય તેવી માંગણી કરનાર છે. આ ઘટનામાં ભોગ બનનારના પરિવારજનોને ન્યાય અપાવવા માટે સંચાલકો અને આ હત્યાકાંડમાં સામેલ સંબંધીત અધિકારીઓ ચીફ ઓફિસર વગેરેને કડકમાં કડક સજા થાય તેવી માંગણી તેમણે કરી છે.


