- 28 લાખથી વધુના સોનાના ઘરેણાં અને રોકડની કરાઈ લૂંટ
- સાયણ-કીમ રોડ પર ઓભલા ગામ પાસે બની ઘટના
- કાર બંધ થઈ ગઈ છે ધક્કો મારવામાં મદદ કરવા જણાવ્યું
આજે શુક્રવારે સુરતના એક આધેડ વ્યાપારી સાથે લૂંટની ઘટના બની હતી. 28 લાખથી વધુના સોનાના ઘરેણાં અને રોકડની લૂંટ કરવામાં આવી છે. સુરતના સાયણ-કીમ રોડ પર ઓભલા ગામ પાસે લૂંટની ઘટના બની હતી. એક વ્યાપારી પોતાની ફોર્ચ્યુનર કારમાં ડ્રાયવર સાથે જઈ રહ્યો હતો તે દરમ્યાન લૂંટની ઘટના બની હતી.
સુરતના સાયણ કીમ-રોડ પર ઘટના બની
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના સાયણ-કીમ રોડ પર ઓભલા ગામ પાસે રસ્તામાં ઉભેલી નેક્ષોન કારના ચાલક અને તેની સાથેની મહિલાઓએ હાથ બતાવી કાર રોકાવી હતી અને કહ્યું હતું કે, તેમની કાર બંધ થઈ ગઈ છે, ધક્કો મારવામાં મદદ કરવા આજીજી કરી હતી.
કેફી પદાર્થ સુંઘાડીને લુંટ કરી
સુરતના આધેડ વયના વ્યાપારીની ફોર્ચુનર કારના ચાલક સાથે પહેલાં ઝપાઝપી કરી હતી અને ત્યાર બાદ ઘેની પદાર્થ સુંઘાડી બેભાન કર્યો હતો. ત્યાર બાદમાં કાર માલિકની સાથે પણ ઝપાઝપી કરીને કેફી પદાર્થ સુંઘાડીને લૂંટ કરી લીધી હતી. લૂંટ કરનારા મહિલાઓ અને નેક્ષોન કારના ચાલકે બ્રાસલેટ, ચેન, અંગૂઠી,રુદ્રાક્ષની માળા તેમજ ઘડિયાળ મળી 28 લાખ થઈ વધુની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયાં હતાં.


