એક વર્ષથી લાભાર્થીઓ રહેવા ગયા હતા, પાઇપલાઇનની સુવિધા અપાઇ નથી, ટેન્કર ચાલુ કરવાની માગણી સાથે ટોળાએ મનપા કચેરીમાં ધામા નાંખ્યા
રાજકોટ મહાનગરપાલિકા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ ઘરવિહોણા પરિવારને ઘરનું ઘર આપે છે એ સારી વાત છે પણ ઘરના ઘરમાં પીવાના પાણી સહિતની પાયાની સુવિધામા ધાંધિયા થતા હોવાની ફરિયાદ વધુ એક આવાસ યોજના જય મુંજકામાં આવેલી ઓમ હાઉસીંગ કો-ઓપરેટીવ ટાઉનશીપમાં ઉઠી છે. ટાઉનશીપમાં માત્ર બોર બનાવીને લાભાર્થીઓને ફ્લેટ શોપી દેવામા આવ્યા છે.પાણીની પાઇપલાઇન પણ નાખવામા આવી નથી. ૨૮૦થી વધુ પરિવાર એક વર્ષથી રહેવા આવી ગયા છે. પાણીના ટેન્કર ચાલુ કરવાની માગણી સાથે મનપા કચેરીએ ટોળુ આવ્યુ હતુ.
શહેરના વોર્ડ નં.૯માં મુંજકામાં તંત્રએ આવાસ યોજના તો બનાવી સામાન્ય વર્ગના લોકોને ઘરનું ઘર તો આપ્યુ છે પરંતુ પાણી વગર ટળવળતા છોડી દીધા છે. ઓમ હાઉસીંગ આવાસ યોજનામાં ર૮0 જેટલા પરિવારો હાલ રહે છે. આ જગ્યાએ હાલ પાણી માટે માત્ર બોર છે. શિયાળા બાદ પાણીનો આ બોર ડૂકી જશે ત્યારે મુશ્કેલી ઉભી થવાનો ભય છે. જો કે અત્યારથી જ લોકો પૈસા ખર્ચની પાણીના ટેન્કર મગાવી રહ્યા છે. મનપા પાણીની લાઇનનું જોડાણ વહેલાસર કરી આપે તો સમસ્યા દુર થઇ શકે તેમ છે. આ અંગે અનેક વધુ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ પ્રશ્ર્ન ઉકેલાતો નથી.
અધિકારીઓ એવું કહે છે કે પહેલા નળજોડાણના નાણા ભરપાઇ કરવા પડશે. આ બાદ જ પાણીની લાઇન આપવામાં આવશે. આ રકમ લાખોમાં થતી હોય, આસામીઓ એક સાથે ભરી શકે તેમ નથી. આ હાલત ધ્યાને લેતા રસ્તો કાઢવાની જરૂર છે. મેન્ટેનન્સમાંથી આ રકમના ભાગ કરીને વહેલાસર પાણીનું જોડાણ આપવા વિસ્તારના લોકોએ રજુઆત કરી હતી. જ્યા સુધી પાઇપલાઇન દ્વારા પાણી આપવામા ન આવે ત્યા સુધી પાણીના ટેન્કર ચાલુ કરવાની માગણી સાથે રહેવાસીઓનું ટોળું મનપા કચેરીએ આવ્યુ હતુ.