- છેલ્લા બે માસમાં લેન્ડગ્રેબિંગની 16 સાથે વર્ષમાં કુલ 135 FIR, 532 આરોપી
- લેન્ડગ્રેબિંગની કુલ 2,301 ફરિયાદો મળી
- રૂ.1,500 કરોડની સરકારી જમીન છૂટી થઈ
જમીન અથવા મિલકત પચાવી પાડવાના ગુનાના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડગ્રેબિંગ કમિટીની રચના કરાઇ છે. આ સમિતિની બેઠકમાં છેલ્લા ત્રણ વર્ષમાં લેન્ડગ્રેબિંગની 2301 ફરિયાદોમાંથી 1914નો નિકાલ કરી સરકારી 1500 કરોડ મળી કુલ ત્રણ હજાર કરોડની જમીન ભૂમાફિયાઓના સંકજામાંથી મુક્ત કરાવી છે. હાલ 387 અરજીઓ પેન્ડિંગ છે. છેલ્લા બે મહિનામાં 16 એફઆઇઆર સાથે અત્યાર સુધીમાં કુલ 135 પોલીસ ફરિયાદના ઓર્ડરમાં 532 આરોપી દર્શાવાયા છે.
રાજ્ય સરાકાર દ્વારા જાન્યુ-2021થી લેન્ડગ્રેબિંગનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. ભૂમાફિયાઓ સામે જમીન કે મિલકતના માલિકોને રક્ષણ મળી રહે તે માટે લેન્ડગ્રેબિંગના કાયદો લાવવામાં આવ્યો છે. કોઇ પણ લેન્ડગ્રેબિંગની ફરિયાદ મળ્યા પછી જેતે વિસ્તારના પ્રાંત અધિકારીને મોકલી અપાય છે. પ્રાંત સહિત સ્થાનિક મામલતદાર, તલાટી અને સર્કલ ઓફિસર સ્થળ મુલાકાત અને પુરાવા મેળવી રિપોર્ટ તૈયાર કરે છે. જેના આધારે પ્રાંત અધિકારી પોતાનો હેવાલ તૈયાર કરીને લેન્ડગ્રેબિંગ કમિટીનેે મોકલી આપે છે. જેના આધારે કમિટી નિર્ણય કરે છે. કમિટી સમક્ષ છેલ્લા બે મહિનામાં આવેલી અરજીઓમાંથી સાબરમતી, 2 અસારવા, 3 સાણંદ, માંડલ, 3 સાબરમતી, દસક્રોઇ, 3 દેત્રોજ-રામપુરા, 2 ધોલેરા, વેજલપુર અને અસારવા તાલુકાઓમાંથી આવેલી ફરિયાદોનો નિકાલ કરી પોલીસ ફરિયાદના ઓર્ડર કરાયા છે.
3,88,767 ચો.મી. સરકારી અને 11,27,606 ચો.મી. ખાનગી જમીન મુક્ત કરાઇ
છેલ્લા ત્રણ વર્ષમાં લેન્ડગ્રેબિંગની કમિટીમાં અરજીઓનો નિકાલ કરીને જંત્રી મુજબ બજાર કિંમત 1535 કરોડની 3,88,767 ચો.મી. સરકારી જમીન અને 1570 કરોડની 11,27,606 ચો.મી. ખાનગી જમીન ભૂમાફિયાઓના સંકજામાંથી મુક્ત કરાઇ છે. સરકારી જમીનમાં થયેલા ગેરકાયદે દબાણ અંગે સ્થાનિક મામલતદારોના ધ્યાનમાં હોવા છતાં પોલીસ ફરિયાદ કરતા નથી. નિવૃત્તિ પછી કાયદાકીય ગૂંચવણ નડે નહીં તેવા ડરથી ફરિયાદથી દૂર રહે છે. મોટાભાગના કિસ્સામાં ઉચ્ચકક્ષાએથી આદેશ થયા પછી જ પોલીસ ફરિયાદ કરતા હોય છે.
પહેલા લેન્ડગ્રેબિંગની FIR અને પછી ભૂમાફિયા કોર્ટમાંથી સ્ટે મેળવે
લેન્ડગ્રેબિંગ સમિતિની બેઠકમાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય થાય તે પહેલા અથવા કેટલાક કિસ્સામાં પોલીસ ફરિયાદનો ઓર્ડર થયા પછી ભૂમાફિયાઓ કોર્ટમાંથી સ્ટે મેળવી રહ્યા છે. જેના લીધે લેન્ડગ્રેબિંગની ફરિયાદનું મહત્વ જ રહેતું નથી. જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓના ધ્યાનમાં આ બાબત આવી છે. કાયદા નિષ્ણાંતોએ પણ લેન્ડગ્રેબિંગના કાયદાનું અસ્તિતત્વ જળવાઇ રહે તે માટે સરકારમાં પણ રજૂઆત કરી છે. પરંતુ હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.
લેન્ડગ્રેબિંગની મહિને 60થી વધુ ફરિયાદો આવે છે
અમદાવાદ જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડગ્રેબિંગની રોજ બે અથવા ત્રણ ફરિયાદો આવે છે. મહિને 60થી વધુ અરજીઓ આવે છે. વર્ષે 750થી વધુ ફરિયાદો આવે છે. જેની સામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રતિમાસ મળતી બેઠકમાં અરજીઓનો નિકાલ કરાય છે. અરજીઓનો નિકાલ કરી પોલીસ કેસના ઓર્ડર કરાય છે. પરંતુ ઘણાં કિસ્સામાં લેન્ડગ્રેબિંગ વખતે નિષ્ક્રિય પોલીસ લેન્ડગ્રેબિંગની ફરિયાદ સમય અરજદારોને સમજાવીને સમાધાનનો રસ્તો કાઢવામાં મહત્વનો રોલ ભજવતી હોવાનું મનાય છે. જેના લીધે કેટલાક કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ થવામાં વિલંબ પણ થાય છે.
કુલ 2,301 ફરિયાદોમાંથી 1,914નો નિકાલ


