- કુલ છ પક્ષમાં ભાજપ 76.73 ટકા એટલે કે 2,361 કરોડની આવક સાથે સૌથી મોખરે
- કોંગ્રેસ 14.70 ટકા એટલે કે 452.37 કરોડ સાથે બીજા ક્રમે
- ભાજપની આવક 2022-23માં નાણાકીય વર્ષ 2020-21ની તુલનાએ 23.15 ટકા વધી
દેશના રાષ્ટ્રીય સ્તરના 6 રાજકીય પક્ષોએ નાણાવર્ષ 2022-23 માટે કુલ 3,077 કરોડ રૂપિયાની આવક જાહેર કરી હોવાનું એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા બુધવારે જણાવાયું હતું. આ રાજકીય પક્ષોમાંથી ભાજપ 2,360.84 કરોડ રૂપિયાની (76.73 ટકા) સૌથી વધુ આવક સાથે મોખરે છે. કોંગ્રેસ 452.37 કરોડ રૂપિયાની (14.70 ટકા) આવક સાથે બીજા સ્થાને છે. બસપા, આપ, સીપીએમ અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)એ પણ તેમની આવક જાહેર કરી છે. આ પૈકી ભાજપ, આપ અને એનપીપીની આવક 2021-22ની સરખામણીમાં વધી છે જ્યારે કોંગ્રેસ, સીપીએમ અને બસપાની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.
નાણાવર્ષ 2021-22થી 2022-23 દરમિયાન ભાજપની આવકમાં 443.72 કરોડ રૂપિયાનો (23.15 ટકા) વધારો જોવા મળ્યો છે. 2021-22માં તેની આવક 1917.12 કરોડ રૂપિયા હતી, જે 2022-23માં 2360.84 કરોડ રૂપિયા થઇ. એનપીપીની આવકમાં 1502.12 ટકાનો જંગી વધારો જોવાયો. તેની આવક 2021-22માં માત્ર 47.20 લાખ રૂપિયા હતી, જે 2022-23માં 7.09 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે 7.56 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. આપની આવકમાં 40.63 કરોડ રૂપિયાનો (91.23 ટકા) વધારો થયો છે. તેની આવક 2021-22માં 44.53 કરોડ રૂપિયા હતી અને 2022-23માં વધીને 85.17 કરોડ રૂપિયા થઇ.
કોંગ્રેસ, સીપીએમ અને બસપાની આવકમાં સતત ઘટાડો જોવાયો
2021-22થી 2022-23 દરમિયાન કોંગ્રેસ, સીપીએમ અને બસપાની આવકમાં અનુક્રમે 88.90 કરોડ રૂપિયા (16.42 ટકા), 20.57 કરોડ રૂપિયા (12.68 ટકા) અને 14.50 કરોડ રૂપિયા (33.14 ટકા)નો ઘટાડો થયો હોવાનું એડીઆરે આ પક્ષો દ્વારા ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરાયેલા રેકોર્ડ્સને ટાંકીને જણાવ્યું હતું. દરમિયાન, ભાજપે 2022-23 દરમિયાન 443.72 કરોડ રૂપિયાની જાહેર કરેલી આવકમાંથી 1361.68 કરોડ રૂપિયા (57.68 ટકા) જ ખર્ચ્યા હતા જ્યારે કોંગ્રેસે 452.37 કરોડની કુલ આવકથી 3.26 ટકા વધુ 467.13 કરોડ રૂપિયા ખર્ચ્યા. સીપીએમે 141.66 કરોડની કુલ આવકના 74.87 ટકા એટલે કે 106 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આમ આદમી પાર્ટીએ 2022-23 દરમિયાન 85.17 કરોડ રૂપિયાની કુલ આવક કરતાં 19.82 ટકા વધુ રકમ ખર્ચતાં 102.05 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડ યોજના રદ કરતા આગામી વર્ષે દરેક પક્ષની આવકમાં ઘટાડો થાય તેવી સંભાવના જોવાઈ રહી છે.


