- ઈજાગ્રસ્તને લોહી નીકળતી હાલતમાં દવાખાને લઈ જવાયા હતા
- બનાવની ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીઓને દબોચી લીધા
- થાંભલો નાંખવા આવેલ મજુરોને જગ્યા દેખાડતા હતા
વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રહેતા ખેડૂત પોતાના ખેતરના શેઢે વીજ થાંભલો નાંખવા માટે મજુરોને લઈ આવી સોમવારના રોજ સવારે જગ્યા દેખાડતા હતા. આ સમયે 1 મહિલા સહિત 3 શખ્સોએ આવી અહીં થાંભલો ખોડવાનો નથી તેમ કહી ખેડૂત પર સોરીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા.
વઢવાણ તાલુકાના વસ્તડી ગામે જુની પંચાયત ઓફીસ પાસે રહેતા 60 વર્ષીય ઘનશ્યામસીંહ સુરસંગભાઈ ગોહીલ ખેતી કરે છે. તેમના પુત્ર સરદારસીંહ જોરાવરનગર પોલીસ મથકમાં ફરજ બજાવે છે.ખેતરના શેઢે ઈલેકટ્રીક થાંભલો નાંખવાનો હોઈ તા.4ના રોજ સવારે ઘનશ્યામસીંહ પુત્ર હરપાલસીંહ સાથે ખેતરે ગયા હતા. અને થાંભલો નાંખવા આવેલ મજુરોને જગ્યા દેખાડતા હતા. આ સમયે બાજુના ખેતરમાંથી હકા પોપટભાઈ પરાલીયા, ઘનશ્યામ પોપટભાઈ પરાલીયા અને હકાની પત્ની ત્રણેય ધસી આવ્યા હતા. અને અહીં થાંભલો ન ખોડતા તેમ કહ્યુ હતુ. જયારે ઘનશ્યામે હાથમાં રહેલ સોરીયાનો ઘા હરપાલસીંહને મારવા જતા તેમના પિતા ઘનશ્યામસીંહે ધક્કો મારી દેતા હરપાલસીંહ દુર જતા રહ્યા હતા. જયારે ઘનશ્યામસીંહ સમજાવવા જતા હકા પરાલીયાએ તેઓના માથામાં ધારીયાનો ઘા મારી દીધો હતો. આથી માથામાં લોહી નીકળતા ઘનશ્યામસીંહ ત્યાં જ ઢળી પડયા હતા. અને હકાભાઈની પત્ની આ લોકોને બહુ જ હવા છે, તેઓને મારી નાંખો તેમ કહી ઉશ્કેરણી કરતી હતી. જેમાં ઈજાગ્રસ્ત ઘનશ્યામસીંહને ગંભીર હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ પોલીસે મહિલા સહિત ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. અને તેઓને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી હતી.


