જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના ગાઢ જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસના 3 જવાનો શહીદ થયા છે. ઘૂસણખોર આતંકવાદીઓના જૂથને ઘેરવા માટે સુરક્ષા દળોએ કાર્યવાહી તેજ કરી દીધી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ એ સ્પષ્ટ નથી કે આ એ જ આતંકવાદી જૂથ હતું, જે પહેલાથી જ સાન્યાલ જંગલમાં ફસાયેલું હતું કે આતંકવાદીઓનું એક નવું જૂથ જે તાજેતરમાં સરહદ પારથી ઘૂસ્યું હતું.
2 આતંકવાદીઓને ઠાર કર્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટર દરમિયાન ભારે ગોળીબાર અને વિસ્ફોટ થયા હતા. આ ઘટના રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલે ગામ પાસે બની હતી, જ્યાં લગભગ 5 આતંકવાદીઓ છુપાયેલા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના નેતૃત્વમાં સેના, BSF અને CRPFએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું અને બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે હીરાનગર સેક્ટરમાં આતંકવાદીઓના એક જૂથને રોકવામાં આવ્યું હતું, પરંતુ તેઓ સુરક્ષા ઘેરો તોડીને ભાગી ગયા હતા. એવું માનવામાં આવે છે કે આ જ આતંકવાદીઓ પાછળથી જાખોલ ગામ નજીક જોવા મળ્યા હતા. સુરક્ષા દળોને માહિતી મળતા જ તેમણે વિસ્તારને ઘેરી લીધો, ત્યારબાદ ભીષણ અથડામણ શરૂ થઈ ગઈ હતી.
આતંકીઓની સઘન શોધખોળ ચાલુ
આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ થર્મલ ઈમેજિંગ, ડ્રોન, હેલિકોપ્ટર, બુલેટપ્રૂફ વાહનો અને સ્નિફર ડોગ્સની મદદથી મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સોમવારે, હીરાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન, M4 કાર્બાઈનના 4 લોડેડ મેગેઝિન, 2 ગ્રેનેડ, બુલેટપ્રૂફ જેકેટ, સ્લીપિંગ બેગ, ટ્રેકસુટ, ખાદ્ય પદાર્થો અને IED બનાવવાની સામગ્રી મળી આવી હતી.