- દુનિયામાં ગમે ત્યાંથી બ્રિટિશ નાગરિક ઓનલાઇન મતદાન કરવા માટે નોંધણી કરાવી શકે
- રજિસ્ટ્રેશન બાદ ત્રણ વર્ષ મતદાર યાદીમાં રહેશે
- આ વર્ષે ભારત, અમેરિકા સહિત ઘણા દેશો માં રાષ્ટ્રપતિ કે સંસદીય ચૂંટણી થવાની છે
2024નું વર્ષ દુનિયા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થવાનું છે. આ વર્ષે ભારત, અમેરિકા સહિત ઘણા દેશો (યુરોપિયન યુનિયન)માં રાષ્ટ્રપતિ કે સંસદીય ચૂંટણી થવાની છે. એવામાં વિદેશોમાં રહેતા ભારતીયો સહિત 30 લાખ કરતાં વધારે બ્રિટિશ નાગરિકો માટે ખુશીના સમાચાર છે. તે લોકોને ચૂંટણી જોગવાઈ 2022 લાગુ થયા બાદથી બ્રિટનની સામાન્ય ચૂંટણીઓ અને જનમત સંગ્રહમાં મતદાનનો અધિકાર મળી ગયો છે. આ બાબત 1928માં પૂર્ણ મહિલા મતાધિકારની શરૂઆત પછી બ્રિટનમાં ચૂંટણી મતાધિકારમાં સૌથી મોટી વૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે.
હકીકતે, મતદાન કરવાના અધિકારો પર લાગુ 15 વર્ષની મર્યાદા સમાપ્ત કરી દેવામાં આવી છે. દુનિયાભરમાં ગમે ત્યાંથી બ્રિટિશ નાગરિક ઓનલાઇન મતદાન કરવા માટે નોંધણી કરાવી શકે છે, પછી ભલે તે ગમે તેટલાં વરસોથી વિદેશમાં હોય. જે લોકો જ્યાં રહેતા હોય અને મતદાન કરવા નામ નોંધાવેલું હોય એવા બ્રિટનના મતદાતાઓ સાથે આ નિયમ સંકળાયેલો છે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેઓ ત્રણ વર્ષ સુધી મતદાર યાદીમાં જળવાઈ રહેશે. તદ્ઉપરાંત, રજિસ્ટ્રેશન થયા બાદ મતદાતા ટપાલથી કે પ્રોક્સી વોટ માટે ઓનલાઇન અરજી પણ કરી શકે છે. આ કાયદો બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો અને વિદેશોમાં સમર્થકોના વૈશ્વિક નેટવર્ક વોટ્સ ફોર લાઇફ અભિયાનનો ભાગ છે. જેનું નેતૃત્વ કન્ઝર્વેટિવ અબ્રોડ કરી રહ્યું છે. આ અભિયાન લાંબા સમયથી કન્ઝર્વેટિવના ઘોષણાપત્રમાં છે.
મનપસંદ નેતાને ચૂંટી શકશે
હાઉસિંગ એન્ડ કોમ્યુનિટીઝ વિભાગના રાજ્ય સચિવ માઇકલ ગોવે કહ્યું કે આજથી, દુનિયાભરમાં લાખો બ્રિટિશ નાગરિક ભવિષ્યની સામાન્ય ચૂંટણીઓમાં મતદાન કરીને પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે છે. તેઓ પોતાના મનપસંદ નેતાને ચૂંટી શકશે અને પોતાનાં કામો માટે હકથી બોલી શકશે. કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષ રિચર્ડ હોલ્ડને કહ્યું કે, કન્ઝર્વેટિવે ફરી એક વાર સાબિત કર્યું કે આપણે લોકશાહીની પાર્ટી છીએ અને એક વ્યક્તિના વોટ આપવાના અધિકારની રક્ષા કરીએ છીએ.
અધિકારથી વંચિત કરાયા
કન્ઝર્વેટિવ અબ્રોડના અધ્યક્ષ હીથર હાર્પ એમબીઈએ કહ્યું કે, વિદેશમાં રહેતા લાખો લોકો, કામ કરનારા અને સેવાનિવૃત્તિ બધાને વોટ આપવાના પોતાના લોકશાહી અધિકારનો ઉપયોગ કરતા રોકવામાં આવ્યા છે. આ નવો નિયમ બ્રિટનને દુનિયાભરમાં પોતાના નાગરિકોના મહત્ત્વને ઓળખાવવામાં અમેરિકા, ફ્રાન્સ, ઇટાલી અને ન્યૂઝીલેન્ડ જેવી લોકશાહીઓની સમકક્ષ ઊભા રાખે છે.


