- બી ડિવિઝન પોલીસે રિવરફ્રન્ટ રોડ પરથી રિક્ષામાં જતા ત્રણેયને દબોચી લીધા
- પોલીસે રિક્ષા અને 4 બાઈક સહિત રૂ. 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- ત્રણ શખ્સો રીવરફ્રન્ટ રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી મળી હતી
સુરેન્દ્રનગરના કુંભારપરા વિસ્તારમાંથી રિક્ષા ચોરાઈ હતી. ત્યારે તેની તપાસમાં બી ડીવીઝન પોલીસે 3 શખ્સોને ચોરીની રિક્ષા અને 4 બાઈક સાથે ઝડપી લીધા છે. સુરેન્દ્રનગરના કુંભારપરામાં રહેતા અનીલ વાઘાભાઈ ગમારા રિક્ષા ડ્રાઈવીંગ કરે છે.
તા. 28મી મેએ રાત્રે તેઓએ રિક્ષા કુંભારપરામા સરસ્વતી સ્કુલની સામે પાર્ક કરી હતી. અને તા. 29એ સવારે જોતા રિક્ષા ચોરાઈ ગઈ હતી. આસપાસ તપાસ કરવા છતાં રિક્ષા ન મળી આવતા તેઓએ બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે રિક્ષા ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. જેમાં બી ડીવીઝન પોલીસ મથકના હરપાલસીંહ અને કીશનભાઈને આ ચોરીની રિક્ષા સાથે ત્રણ શખ્સો રીવરફ્રન્ટ રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી મળી હતી. આથી પીએસઆઈ એસ.પી.ઝાલા, એન.ડી.ચુડાસમા, અજીતસીંહ સહિતનાઓએ વોચ રાખી હતી. જેમાં મોહીન અકબરભાઈ જેડા, સોહીલ ઉર્ફે ડકુર સલીમભાઈ દીવાન અને ફારૂક મહેબુબભાઈ કટીયા ચોરીની રિક્ષા સાથે ઝડપાયા હતા. આ શખ્સોની પુછપરછમાં તેઓએ એકાદ વર્ષ પહેલા જોરાવરનગર વાંકલા નાળા પાસેથી, એક મહિના પહેલા રતનપર મીલની ચાલીમાંથી, ર વર્ષ પહેલા જોરાવરનગર પોલીસ સ્ટેશન પાછળથી બાઈક ચોર્યાની કબુલાત કરી હતી. આથી ચોરીની રિક્ષા અને 4 બાઈક સહિત રૂ. 2.10 લાખના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


