- જિલ્લાના કુલ 39 કેન્દ્રો, 109 બિલ્ડિંગ અને 1,094 બ્લોકમાં પરીક્ષા યોજાશે
- વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા કાઉન્સિંલગના કાર્યક્રમો કરાશે
- બોર્ડમાં ગત વર્ષની સરખામણીએ 4,675 વિદ્યાર્થીઓ ઘટયા
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 11 માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પાટણ જિલ્લામાં શરૂ થવા જઈ રહી છે ત્યારે પાટણ જિલ્લામાં ધો.10 અને 12ની પરીક્ષાઓ કુલ 39 કેન્દ્રો પર લેવામાં આવનાર છે જેમાં અંદાજે 30573 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 11થી 29 માર્ચ સુધી ધો.10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે ત્યારે પાટણ જિલ્લામાં ધો.10ની બે ઝોનમાં પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં પાટણ ઝોનમાં 12 પરીક્ષા કેન્દ્રો, 36 બિલ્ડીંગ અને 380 બ્લોકમાં 10691 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે હારીજ ઝોનમાં 10 કેન્દ્રોના 31 બિલ્ડીંગ અને 275 બ્લોકમાં 7803 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
આમ ધો.10માં કુલ 22 કેન્દ્રો, 67 બિલ્ડીંગ અને 655 બ્લોકમાં 18494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. દરેક બ્લોકમાં 30 વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવશે. પાટણ ઝોનના ઝોનલ અધિકારી અનિષાબેન પ્રજાપતિ જ્યારે હારીજ ઝોનના વિપુલભાઈ સથવારા ઝોનલ અધિકારી તરીકે જવાબદારી સંભાળશે. તો ધો.12ની પરીક્ષાઓ એક ઝોનમાં લેવામાં આવશે જે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની કે.કે.ગર્લ્સ હાલિકૂલ ખાતેના ઝોનથી તેનું સંચાલન થશે. જેના ઝોનલ અધિકારી મધુબેન દેસાઈ જવાબદારી સંભાળી રહ્યા છે.
ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ જિલ્લાના 13 પરીક્ષા કેન્દ્રો ઉપર 32 બિલ્ડીંગ અને 335 બ્લોકમાં લેવામાં આવશે જેમાં 10026 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે .જ્યારે ધો.12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા જિલ્લાના ચાર પરીક્ષા કેન્દ્રોના 10 બિલ્ડીંગ, 104 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં 2053 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
આમ પાટણ જિલ્લામાં ધો.10 અને 12ની પરીક્ષાઓ કુલ 39 પરીક્ષા કેન્દ્રોના 109 બિલ્ડીંગ અને 1094 બ્લોકમાં લેવામાં આવશે જેમાં કુલ નોંધાયેલા 30573 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
બોર્ડમાં ગત વર્ષની સરખામણીએ 4,675 વિદ્યાર્થીઓ ઘટયા
ગત વર્ષની સરખામરણીએ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પાટણ જિલ્લામાં આગામી માર્ચ મહિનાથી શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યાઓ જાહેર કરાઈ દેવામાં આવેલી છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો ધો.10માં 2066 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 2461 વિદ્યાર્થીઓ ઘટયા છે. તો. ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં 148 જેટલા વિદ્યાર્થીઓ ઘટયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં રાધનપુરની કેબી વિદ્યાલયમાં યુનિટ એક હતું જેમાં આ વર્ષે વધુ એક યુનિટ વધારવામાં આવતા એક બિલ્ડીંગ વધવાનું છે.
ડીઈઓ કચેરી દ્વારા બે સ્થાનિક કોડની રચના કરવામાં આવી
પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે પાટણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કચેરી દ્વારા બે સ્થાનિક કોડની રચના કરવામાં આવેલી છે. આ ઉપરાંત ગાંધીનગર દ્વારા બે વિજીલન્સ સ્કવોર્ડ નજર રાખશે. આ ઉપરાંત કલેકટર કચેરી દ્વારા પણ ક્લાસ વન અને કલાસ ટુના અધિકારીઓ સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ઉપર નજર રાખશે. દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચૂસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.


