- CBSEએ સોશિયલ મીડિયાના બોગસ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી
- X પરના 30 બોગસ એકાઉન્ટ જાહેર કરી વિદ્યાર્થીઓને બોર્ડે ચેતવ્યા
- આ સાથે બોર્ડ દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરી છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના નામે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા ટ્વિટર પર 30 જેટલા બોગસ એકાઉન્ટ્સ બન્યાં હોવાનું સીબીએસઈ દ્વારા જ જાહેર કરવામાં આવ્યું છે. X પરના 30 બોગસ એકાઉન્ટ્સની યાદી જાહેર કરી વિદ્યાર્થીઓને સાવધાન રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ખુલતા આવા બોગસ એકાઉન્ટ્સ સામે બોર્ડ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
CBSE બોર્ડના નામ અને લોગોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની માહિતી CBSEને મળતા હવે તેમણે આવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સાથે બોર્ડ દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં જનતાને આ મુદ્દે સાવધાન કરતા જણાવાયું હતું કે, CBSEને લગતી ચકાસાયેલી અને અધિકૃત માહિતી માટે માત્ર CBSEના અધિકૃત X હેન્ડલને અનુસરવાની સલાહ આપવામાં આવે છે. CBSEના નામ અને લોગોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફેર્મ્સ પર કોઈપણ શૈલીમાં અને જાહેર જનતા દ્વારા ઍક્સેસ કરાયેલા કોઈપણ અન્ય સ્ત્રોત દ્વારા આપવામાં આવેલી કોઈપણ માહિતી માટે CBSE હવેથી જવાબદાર રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે, CBSE બોર્ડ દ્વારા તેના ઓફીશીયલ X હેન્ડલ પરથી પરીક્ષા તથા પરિણામ સહિતની તમામ માહિતી સોશિયલ મિડીયામાં મુકવામાં આવતી હોય છે, અને વિદ્યાર્થીઓ આ હેન્ડર મારફ્તે મળતી માહિતીના આધારે આયોજન પણ કરતા હોય છે. જોકે, આનો ગેરલાભ લેવા માટે એક પછી એક એમ લગભગ 30 જેટલા CBSEના નામના બોગસ ઠ હેન્ડલ શરૂ થઈ ગયા છે. જેમાં બોર્ડના લોગો અને નામનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ભૂતકાળમાં બોર્ડના પરિણામ અને પરીક્ષાના સમયપત્રક સહિતની ખોટી માહિતી આવા હેન્ડલ પરથી મુકવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તેને સાચી માનીને દોડધામ કરતા જણાયા હતા.


