- 15 હજાર વર્ષ જૂના વાઇરસ ભારત, ચીન અને મ્યાંમાર માટે ખતરો બની શકે
- ખાસ બાબત એ છે કે આ પ્રાચીન વાઇરસનું સંક્રમણ ફેલાય તો તેની કોઈ સારવાર નથી
- 22 હજાર ફૂટની ઊંચાઇ પર મળી આવ્યા વાઇરસ
તિબેટમાં એવા ઘણા ગ્લેશિયર્સ છે કે જે ઝડપથી ઓગળી રહ્યાં છે. અહીં 15 હજાર વર્ષ જૂના વાઇરસ મળ્યા છે. આ વાઇરસ ભારત, ચીન અને મ્યાંમાર જેવા દેશો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ખાસ બાબત એ છે કે આ પ્રાચીન વાઇરસના સંક્રમણનો કોઇ ઇલાજ નથી. નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં પર્માફ્રોસ્ટ પીગળી રહ્યા છે તેમ પ્રાચીન જીવ, વાઇરસ, બેક્ટેરિયા જેવી ચીજો બહાર નીકળી રહી છે. આ કોઇ હોરર ફિલ્મનો સીન નથી પણ સચ્ચાઇ છે. ગ્લેશિયરો અને પર્માફ્રોસ્ટના પીગળવાના કારણે વૂલી રાઇનોથી લઇને 40 હજાર વર્ષ જૂના વિશાળકાય વરૂ અને 7.50 લાખ વર્ષ જૂના બેક્ટેરિયા નીકળવાની જાણકારી મળી છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ તિબેટના પઠારો પર ઉપલબ્ધ ગુલિયા આઈસ કેપની પાસે 15 હજાર વર્ષ જૂના વાઇરસને શોધી કાઢયા છે અને તે પણ કોઇ એક પ્રજાતિના નહીં પણ અનેક પ્રજાતિના ડઝનબંધ છે. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજિસ્ટ ઝી-પિંગ ઝોન્ગે જણાવ્યું હતું કે તે માનવજાત માટે પણ કોઇપણ સમયે ખતરો ઊભો કરી શકે તેમ છે. પાછલા વર્ષે તિબેટના ગ્લેશિયર્સમાં બેક્ટેરિયાની 1000 નવી પ્રજાતિઓ મળી આવી હતી.
22 હજાર ફૂટની ઊંચાઇ પર મળી આવ્યા વાઇરસ
આ વાઇરસ સમુદ્રની સપાટીથી 22 હજાર ફૂટની ઊંચાઇ પરથી પીગળતા ગ્લેશિયર્સની નીચેથી મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ કુલ 33 વાઇરસ શોધી કાઢયા છે જેમાંના 28 અંગે સમગ્ર વિશ્વમાં કોઇને જાણ નથી. તે અગાઉ ક્યારેય દેખાયા નથી, એટલે કે તેના સંક્રમણનો કોઇ ઇલાજ નથી. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના બીજા વૈજ્ઞાનિક મેથ્યુ સુલિવાન કહે છે કે આ વાઇરસોએ આત્યંતિક સ્થિતિમાં પોતાનું જીવન વિતાવ્યું છે. હવે તેઓ કોઇપણ પ્રકારના તાપમાન અથવા હવામાનને સહન કરી શકે છે.


