- સુરેન્દ્રનગર RTOમાં છેલ્લા 1 વર્ષનું કમ્પ્યૂટર પરીક્ષાનું પરિણામ સરેરાશ 67 ટકા આવ્યું
- વાહન ચાલકો માટે લર્નિંગ લાઇસન્સ માટેની પરીક્ષા પાસ કરવામાં કમ્પ્યૂટર નોલેજ વિલન
- પાકા લાયસન્સની ટેસ્ટમાં 35 ટકા ઉમેદવારો પ્રથમ પ્રયત્ને ફેલ થાય છે
સુરેન્દ્રનગર આરટીઓ કચેરીમાં પ્રથમવાર લાયસન્સ મેળવનારા અરજદારોના કમ્પ્યુટર પર લેવાતા ટેસ્ટનું પરિણામ ગત વર્ષ દરમિયાન સરેરાશ 67 ટકા જેટલુ રહ્યુ છે. જેમાં કેટલાક તો એક કરતા વધુ ટ્રાય આપીને પાસ થયા છે. ખાસ કરીને કમ્પ્યુટરની અજ્ઞાનતા અને જનરલ નોલેજનો અભાવ તથા પૂર્વ તૈયારી વગર ટેસ્ટ આપવા બેસતા અરજદારો ફેઈલ થવાનું તારણ સામે આવ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં પ્રથમવાર ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા આવતા અરજદારોને ટ્રાફીકના નિયમોની જાણકારી અંગેનો ટેસ્ટ ફરજિયાત હોય છે અને તે ટેસ્ટ કોમ્પ્યુટર પર ઓનલાઈન લેવાય છે. પહેલા આ ટેસ્ટ સુરેન્દ્રનગર બહુમાળી ભવન સ્થિત આરટીઓ કચેરીમાં લેવાતા હતા. પરંતુ થોડા સમયથી સરકારે આઈટીઆઈમાં તેના માટેનું કેન્દ્ર બનાવ્યુ છે. જયાં લર્નીંગ લાયસન્સ મેળવવા ઈચ્છતા અરજદારોના ટેસ્ટ લેવાય છે. ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય પંથકોમાંથી આવતા અરજદારો કમ્પ્યુટર ઓપરેટ કરવાનું જ્ઞાન ન ધરાવતા હોવાથી આ ટેસ્ટ પાસ કરવો તેમ માટે લીટમસ ટેસ્ટ સમાન બની જાય છે. બીજી તરફ કેટલાક લોકો આ ટેસ્ટ પાસ કરવા બજારમાં કે ઓનલાઈન અવેલેબલ બુકમાંથી પુરતો અભ્યાસ કર્યા વગર ટેસ્ટ આપવા આવે એટલે ફેઈલ થાય છે. એકવાર ફેઈલ થયા બાદ ફરીવાર તૈયારી કરીને આવતા શિક્ષિત અરજદારો બીજી કે મહત્તમ ત્રીજી ટ્રાયમાં પાસ થઈ જાય છે. પરંતુ કેટલાક લોકો તો તેના કરતા વધુ ટેસ્ટ પણ આપે છે. સુરેન્દ્રનગર આરટીઓમાંથી મળતી માહિતી મુજબ ગત વર્ષ 2023માં 20,938 અરજદારોએ લર્નીંગ લાયસન્સ માટે ટેસ્ટ આપ્યા છે. જેમાંથી 13,972 પાસ થયા છે. જયારે 6,966 ફેઈલ થયા છે. એટલે કે, ટેસ્ટ આપનારામાં 67 ટકા સરેરાશ પાસ થયા છે અને 33 ટકા ફેઈલ થયા છે.
15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપે તે પાસ થાય
ઓનલાઈન ટેસ્ટમાં કમ્પ્યુટર સ્ક્રીન પર ટ્રાફીકના ચીન્હોની સમજ સહિત ટ્રાફીકના નિયમો અંગેના 15 પ્રશ્નો એક બાદ એક પુછાય છે. દરેક પ્રશ્નની નીચે જવાબમાં ત્રણ વિકલ્પ હોય છે. ત્રણ પૈકી સાચા વિકલ્પની સામેના બોકસમાં ક્લીક કરવાનું હોય છે. 15 પ્રશ્નો પૈકી 11 પ્રશ્નોના જવાબના વિકલ્પ સાચા પસંદ કરે તે અરજદાર પાસ થાય છે.
અરજદાર 6 માસ સુધી વારંવાર ટેસ્ટ આપી શકે છે
અરજદાર એકવાર નાપાસ થાય તો ફરીથી રૂપિયા 50ની ફી ભરીને ટેસ્ટ આપી શકે છે. એક વખત અરજી કર્યા બાદ તે છ માસ સુધી પાસ ન થાય ત્યાં સુધી ટેસ્ટ આપી શકાય છે અને પાસ થાય એટલે તુરંત અરજદારના હાથમાં લર્નીંગ લાયસન્સ આવી જાય છે. જેના એક માસ પછી અને છ મહિના પહેલા ડ્રાઈવીંગ ટેસ્ટ આપીને પાકુ લાયસન્સ કઢાવવાનું હોય છે.
પાકા લાયસન્સની ટેસ્ટમાં 35 ટકા ઉમેદવારો પ્રથમ પ્રયત્ને ફેલ થાય છે
સુરેન્દ્રનગર આરટીઓમાં લર્નીંગ લાયસન્સ નીકળ્યા બાદ અરજદારો પાકા લાયસન્સ માટે જાય છે. જેમાં ટુ વ્હીલર માટે આઠડા જેવો ટેસ્ટીંગ ટ્રેક બનાવાયો છે. જે અરજદારે પાસ કરવાનો હોય છે. પરંતુ મળતી માહિતી મુજબ જિલ્લામાં પાકા લાયસન્સ માટે ટેસ્ટ દેવા આવતા અરજદારોમાંથી 35 ટકા અરજદારો પ્રથમ પ્રયત્ને આ ટેસ્ટ પાસ કરી શકતા નથી.
ડ્રાઈવિંગ સ્કૂલવાળા પણ ટેસ્ટની તાલીમ આપે છે
અરજદાર જો ડ્રાઈવીંગ સ્કુલમાં ડ્રાઈવીંગ શીખીને લાયસન્સ કઢાવતો હોય તો ડ્રાઈવીંગ સ્કૂલવાળા પણ અરજદારને તાલીમ આપે છે. જેમાં કોમ્પ્યુટરમાં ઓનલાઈન કેવા પ્રકારના સવાલ આવે છે, તેનો કઈ રીતે જવાબ આપવો? તે સહિતની માહિતી આપી તેની પ્રેકટીસ પણ કરાવે છે અને પ્રશ્ન જવાબ વાળી બુક પણ આપવામાં આવે છે.
દૈનિક 50થી 80 અરજદારો ટેસ્ટ આપે છે
કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન ટેસ્ટમાં દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે કુલ 48 સેકન્ડનો ટાઈમ મળે છે. એટલે કે, 15 પ્રશ્નો માટે અરજદારને કુલ 12 મિનિટ ફાળવવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં દરરોજ 50થી 80 અરજદારો ઓનલાઈન ટેસ્ટ આપે છે.


