- રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સમલૈંગિક શિક્ષણ મંત્રીને બનાવ્યા પ્રધાનમંત્રી
- નવા પ્રધાનમંત્રી ગેબ્રિયલ અટલ હતા ફ્રાંસના સૌથી યુવા શિક્ષણ મંત્રી
- એલિઝાબેથના રાજીનામાં બાદ અટલની કરાઇ પ્રધાનમંત્રી તરીકે નિયુક્તિ
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે 34 વર્ષીય શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટલને ફ્રાંસના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ગેબ્રિયલ અટલ ફ્રાંસના સૌથી યુવા પ્રધાનમંત્રી હોવાની સાથે સાથે દેશના પહેલા સમલૈંગિક પ્રધાનમંત્રી પણ બની ગયા છે. સોમવારે એલિઝાબેથના રાજીનામા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એલિઝાબેથે ઈમિગ્રેશનના મુદ્દે તજકીય તણાવ વધતાં પોતાની રાજીનામું આપી દીધું હતું. જેને રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકારી લીધું હતું. ફ્રાંસમાં આ ફેરબદલ એવા સમયે થયો છે જ્યારે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વર્ષના અંતમાં થનાર યુરોપિયન ચૂંટણી પહેલા પોતાની ટોચની ટીમમાં ફેરબદલ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.
ફ્રેંચ મીડિયાના અહેવાલો મુજબ મેક્રોન યુરોપિયન સંસદની ચૂંટણી પહેલા પોતાના બીજા જનાદેશમાં નવો પ્રાણ ફૂંકવા માંગે છે. જેને પગલે એલિઝાબેથને હટાવીને નવા પ્રધાનમંત્રીના ચહેરાને તક આપવામાં આવી છે. વાસ્તવમાં મેક્રોનના એક વાર ફરી રાષ્ટ્રપતિ બન્યા બાદ મે-2022માં એલિઝાબેથને દેશના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ બે વર્ષ સુધી ફ્રાંસના પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા. આ પદ પર પહોંચનાર તેઓ ફ્રાંસના બીજા મહિલા પ્રધાનમંત્રી હતા.
સૌથી નાની વયના શિક્ષણ મંત્રી હતા ગેબ્રિયલ
ઇમેન્યુઅલ મેક્રોનના લાંબા સમયથી સમર્થક અને મિત્ર રહેલા ગેબ્રિયલ અટલ શિક્ષણ મંત્રી તરીકે દુનિયાભરમાં તે સમયે સમાચારોમાં આવી ગયા હતા જ્યારે તેમણે મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓ દ્વારા પહેરવામાં આવતા પારંપરિક પરિધાન અબાયા (બુરખા) પર ફ્રાંસની સરકારી સ્કૂલોમાં પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. ગેબ્રિયલના પિતા યહૂદી મૂળના હોવાનું જાણવા મળે છે, જ્યારે તેમના માતાના પૂર્વજ ગ્રીક-રશિયન હતા. તેઓ સત્તાવાર જાહેર કરવામાં આવેલ સમલૈંગિક છે અને યુરોપિયન સંસદના સભ્ય, ફ્રેંચ વકીલની સાથે સિવિલ યુનિયનમાં રહે છે. તેઓ ફ્રાંસના આધુનિક ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે શિક્ષણ મંત્રી બન્યા હતા. માત્ર 32 વર્ષની ઉંમરે તેઓ ફ્રાંસના શિક્ષણ મંત્રી બન્યા હતા.


