- ઈઝરાયલ-હમાસ વચ્ચે બે મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- ગાઝાના મોટાભાગના વિસ્તારને ઈઝરાયલના સૈન્યએ ટાર્ગેટ કર્યો
- ઈઝરાયલ ગાઝામાં હમાસના શાસન અને સૈન્ય ક્ષમતાને નાશ કરવા માગે છે
મધ્ય ગાઝામાં રવિવારે ઈઝરાયલે કરેલા હવાઈ હુમલામાં 35 લોકોનાં મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ જાણકારી હોસ્પિટલના અધિકારીઓએ આપી હતી. આ હવાઈ હુમલામાં ઈઝરાયલની સેનાએ ગાઝાના અનેક વિસ્તારને ટાર્ગેટ કર્યો હતો. આ હુમલો એવા સમયે કરાયો હતો જ્યારે વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ એક દિવસ પહેલા કહ્યું હતું કે, યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેશે. ઈઝરાયલની સેનાએ ગાઝાના બીજા સૌથી મોટા શહેર ખાન યુનિસમાં કાર્યવાહી કરી હતી. શહેરમાં રહેતા લોકોને નાના વિસ્તારના મધ્ય ભાગમાં હુમલાની સૂચના આપી હતી. આ યુદ્ધથી પ્રાદેશિક સંઘર્ષની આશંકા પેદા કરી છે.
જ્યારે અમેરિકાએ રવિવારે જણાવ્યું કે, રાતા સમુદ્રમાં યમનના હૂતિ બળવાખોરો દ્વારા એક કન્ટેનર જહાજ તરફ તાકેલી બેલેસ્ટિક મિસાઈલને અમેરિકાએ તોડી પાડી પાડી હતી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા પ્રમાણે થોડા કલાક બાદ ચાર જહાજ દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ અમેરિકી સેનાએ ગોળીબાર કરી જેમાં કેટલાક હથિયારધારી સૈનિકો, ક્રૂ સભ્યોના મોત થયા હતા. ઈઝરાયલના અધિકારીઓ અનુસાર તે ગાઝા પટ્ટીમાં હમાસના શાસન અને સૈન્ય ક્ષમતાને નાશ કરવા માગે છે. જ્યાંથી હમાસે સાત ઑક્ટોબરે દક્ષિણ ઈઝરાયલ પર ભીષણ હુમલો કર્યો હતો. જેમાં ઈઝરાયલના 1,200 લોકોનાં મોત થયા હતા. અને 240 લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા.
હમાસ શાસિત ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર ઈઝરાયલના હવાઈ હુમલામાં અત્યાર સુધી 21,600થી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે 55 હજારથી વધુ ઈજાગ્રસ્તો છે. સાક્ષીઓના નિવેદન પ્રમાણે મધ્ય ગાઝાના જવેદા વિસ્તારમાં ઈઝરાયલના હવાઈ હુમલાથી આશરે 13 લોકોનાં મોત થયા હતા જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતદેહોને સફેદ પ્લાસ્ટિકમાં વીંટાળીને એક હોસ્પિટલ બહાર રખાયા છે.


