- 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં 35 લાખ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે
- દરેક લગ્નમાં સરેરાશ રૂ. 5 લાખના ખર્ચનો અંદાજ
- લગ્નોનાં ખર્ચનાં બજેટમાં 10 ટકાથી 20 ટકા વધારો થવાની ગણતરી
દિવાળીનાં પર્વની વિદાય સાથે જ ભારતમાં લગ્નસરાની મોસમ શરૂ થઈ રહી છે. કારતક સુદ 11ને દેવદિવાળીનાં દિવસે તુલસી વિવાહની સાથે જ દેશભરમાં લગ્નનાં ઢોલ ઢબૂકશે અને શરણાઈ ગુંજી ઊઠશે. દેશમાં લગ્નની મોસમનો ઝગમગાટ અત્યારથી જ શરૂ થઈ ગયો છે. આધુનિક વસ્ત્રોનાં શૉ રૂમ્સ અને મોલ્સ તેમજ જ્વેલર્સની દુકાનોમાં ભીડ સાથે ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ વર્ષે એક અંદાજ મુજબ 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીના ગાળામાં 35 લાખ લગ્નો યોજાવા જઈ રહ્યા છે. આ સાથે જ રૂ. 4.25 લાખ કરોડનો બિઝનેસ થવાની સંભાવના છે. એક લગ્ન પાછળ આશરે રૂ. 5 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. લગ્નના 4થી 5 દિવસના કાર્યક્રમો માટે અગાઉથી જ પાર્ટી પ્લોટ અને હૉલ બુક થઈ ગયા છે. લગ્નની એસેસરીઝથી માંડીને રંગબેરંગી વસ્ત્રો અને મહેમાનો માટે ગિફ્ટ આર્ટિકલ્સ સાથે શોપિંગ શરૂ થઈ ગયું છે. લોકો હીરા અને સોના-ચાંદીનાં દાગીના તેમજ જર ઝવેરાત, વસ્ત્રો, હોમ વેર તેમજ લગ્ન સાથે જોડાયેલી જુદીજુદી સેવાઓ માટે ઓર્ડર્સ આપી રહ્યા છે. કેટરર્સ, ફુલ ગજરા, પીવાનું પાણી, આધુનિક કંકોત્રી માટે ઓર્ડર્સ અપાઈ રહ્યા છે. લગ્નોનાં ખર્ચનાં બજેટમાં 10 ટકાથી 20 ટકા વધારો થવાની ગણતરી છે.
વેચાણમાં 8થી 11 ટકા વૃદ્ધિની સંભાવના
રિટેઈલર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાનાં સીઈઓ કુમાર રાજગોપાલનનાં જણાવ્યા મુજબ નવેમ્બરથી જાન્યુઆરીની લગ્નોની મોસમમાં જ્વેલરી, ગાર્મેન્ટ્સ, ફૂટવેર, ડિઝાઇનર વેર તેમજ અન્ય ચીજવસ્તુઓની ખરીદી વધી રહી છે. આ વર્ષે લગ્નોની મોસમમાં વેચાણમાં 8થી 11 ટકા વૃદ્ધિની સંભાવના છે. ભારતમાં સંગીતની સૂરવાલીઓ રેલાવતા લગ્નગીતનાં ગ્રૂપ તેમજ બેન્ડવાજા અને ડીજેની મોસમ પણ પૂરબહારમાં ખીલી ઊઠી છે. લોકો મનગમતા ભોજનનો આસ્વાદ માણે તેવા મેનુ નક્કી થઈ ગયા છે.
ફુગાવા વચ્ચે પણ રૂ. 4.25 લાખ કરોડનો બિઝનેસ
આ વર્ષે મોંઘવારી તેમજ ફુગાવાનાં દબાણો વચ્ચે પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાનારા 35 લાખ લગ્નોને કારણે રૂ. 4.25 લાખ કરોડનો બિઝનેસ થવાની સંભાવના છે. લોકો સોના-ચાંદીના ઘરેણાં સહિત મોંઘીદાટ ગિફ્ટ લગ્નોમાં આપી રહ્યા છે. દેશમાં સોનાની 800 ટનની માંગમાંથી અડધોઅડધ સોનું ઘરેણા અને ઝવેરાત બનાવવા વપરાય છે. ભારત વિશ્વમાં સોનાનું બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે.
સોનાના ભાવ વધે તો પણ ખરીદીમાં 2થી 3 ટકાનો ઘટાડો થવાનો જ અંદાજ છે. આમ લગ્નોની મોસમમાં 210 અબજ ડૉલરનાં ઉદ્યોગને જબરદસ્ત વેગ મળે તેવી ધારણા છે.