- લોકસભાની ચૂંટણી પહેલા પડતર પ્રશ્નો મુદ્દે આંદોલન શરૂ
- 22 મી ફેબ્રુઆરીએ પેન ડાઉન કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારી છે
- પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામા આવે તેવી માગ કરવામાં આવી છે
લોકસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની માંગણીઓ મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો શરૂ કરી દીધા છે.ગુજરાત રાજય કર્મચારી મહામંડળ, આશા હેલ્થ વર્કર બાદ સોમવારથી ખેડા જિલ્લાની આઇટીઆઇના વર્ગ-3 ના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોના મુદ્દે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી. આગામી 22 મી ફેબ્રુઆરીએ પેન ડાઉન કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત રાજય કારીગર તાલીમ યોજનાના કર્મચારી મંડળના વર્ગ 3 ના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં રાજય વ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમમાં વસો તાલુકાના પલાણા સહિત જિલ્લામાં 9 સ્થળોએ આવેલી આઇટીઆઇ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ જોડાયા છે. જિલ્લાની 9 આઇટીઆઇના 350 કર્મચારીઓ સોમવારે સૂત્રોચ્ચાર કરીને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરાયું છે. પલાણા આઇટીઆઇમાં પડતર પ્રશ્નો મુદ્દે કર્મચારીઓ એ વિરોધ પ્રદર્શન યોજીને જણાવ્યું હતું કે, ફો.ઇથી આચાર્ય વર્ગ -2ના પ્રમોશન માટે ખાતાકિય પરીક્ષા રદ કરી પ્રમોશન ઉચ્ચત્તર આપવા,આઇટીઆઇ ખાતેના કર્મચારીઓની બદલી કરવા બાબત, પ્રથમ, દ્વિતિય અને તૃતિય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર , ફિકસ પે કર્મચારીઓને ફૂલ પગારના આદેશ , આસી. સ્ટોપ કિપરને સ્ટોર કિપર પ્રમોશન, કર્મચારીઓના ચાર્જ એલાઉન્સ સમયસર મંજૂર કરવા બાબત સહિત અન્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામા આવે તેવી માગ કરવામાં આવી છે.


