- પ્રોજેક્ટ સ્કૂલ-સ્કોલરશિપના વિકલ્પ પસંદગી માટે વધુ ત્રણ દિવસ લંબાવ્યા
- નિવાસી શાળામાં પ્રવેશ માટે 3,287 બાળકોની પસંદગી
- રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ માટે 7,773 બાળકોએ પસંદગી આપી
શિક્ષણ વિભાગના પ્રોજેક્ટ સ્કૂલ અને સ્કોલરશિપના વિકલ્પ પસંદગીની મૂદત આજે પૂર્ણ થતી હતી પરંતુ વધુ ત્રણ દિવસ લંબાવવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે મેરીટમાં આવ્યાં બાદ રજિસ્ટ્રેશન કરાવેલ 49,757 વિદ્યાર્થીઓમાથી 36,093 બાળકોએ જ્ઞાનસેતુ સ્કોલરશિપનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સિવાય નિવાસી શાળાઓમાં પ્રવેશ માટે 3,287 તેમજ રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ માટે 7,773 બાળકોએ પસંદગી આપી છે. મહત્વનું છે કે, દિવાળીના તહેવાર સમયે જ 36 હજારથી વધુ પરિવારોને સરકારની સ્કોલરશિપનો લાભ મળતાં ખુશીનો માહોલ સર્જાશે.
રાજ્ય શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત જ્ઞાનશક્તિ રેસીડેન્શ્યલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શ્યલ, રક્ષાશક્તિ સ્કૂલ તેમજ મોડેલ સ્કૂલમાં ધોરણ.6માં પ્રવેશ મેળવવા માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશિપ યોજના માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતાં ધોરણ.5ના બાળકોની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવામાં આવી હતી, જેમાં 4,22,325 બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.પરીક્ષા બાદ 52,509 બાળકોનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મેરીટમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અને જિલ્લાકક્ષાએ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 49,757 બાળકોએ ફાઈનલ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ અને 2,738 અરજીઓ રિજેક્ટ થઈ હતી. રજિસ્ટ્રેશન કરાવેલા વિદ્યાર્થીઓને નિવાસી અને રક્ષાશક્તિ શાળા તેમજ સ્કોલરશિપનો વિકલ્પ પસંદ કરવાની 28મી ઓક્ટોબર સુધી મૂદત આપવામાં આવી હતી. એ પછી આ મૂદત તા.2 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી, જેમા ફરી ત્રણ દિવસનો વધારો કરાયો છે. આજે 2 ઓક્ટોબરની સ્થિતિએ 47,153 બાળકોએ વિકલ્પ પસંદ કર્યો છે, જેમાં 36,093 બાળકોએ સ્કોલરશિપ પર પસંદગી આપી છે. આ સિવાય જ્ઞાનશક્તિ રેસીડેન્શ્યલમાં 2,627, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શ્યલમાં 660 અને રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ માટે 7,773 બાળકોએ પસંદગી આપી છે. બાકી રહેલા વિદ્યાર્થીઓેએ હવે ત્રણ દિવસમાં વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે.


