ગુજરાતમાં 11 લાખથી વધુ નવા મતદારો પ્રથમ વખત EVMનો અનુભવ મેળવશે
સમયાંતરે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયામાં મતદાન માટે પારદર્શી અને ઓછી ખર્ચાળ ટેકનોલોજી તરીકે EVMનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ ગુજરાતમાં ચાર કરોડથી વધુ મતદારો છે, જેમાં 11 લાખથી વધુ નવા મતદારો પ્રથમ વખત EVMનો અનુભવ મેળવશે. ગુજરાતમાં 29 હજારથી વધુ પોલિંગ સ્ટેશનમાં 87 હજારથી વધુ બેલેટ યુનિટ અને 71 હજારથી વધુ કંટ્રોલ યુનિટથી મતદાન કરવામાં આવશે. રાજકોટમાં બેલેટ યુનિટની સંખ્યા 3602, સી.યુ. 2976 અને વી.વી.પેટની સંખ્યા 3489 છે. વિધાનસભા દીઠ બી.યુ. 10, સી.યુ. 10 અને વી.વી.પેટ 10 તાલીમ અને નિદર્શન માટે ફાળવવામાં આવે છે.
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ મત રેકોર્ડ કરવા અને કાગળનો વપરાશ ઘટાડવા માટે કરવામાં આવે છે. ભારતમાં બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને હૈદરાબાદ સ્થિત ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) ઈ.વી.એમ. બનાવવાનું કામ કરે છે. કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને વોટર વેરીફાઈડ પેપર ઓડીટ ટ્રેલ (વી.વી.પેટ) ત્રણ એકમો સાથે ઈ.વી.એમ. સંકળાયેલા હોય છે. વી.વી.પેટ સાથે પ્રિન્ટર ડિવાઈસ અને સ્ટેટ્સ ડિસ્પ્લે યુનિટનો સમાવેશ થાય છે. સ્ટેટ્સ ડિસ્પ્લે યુનિટ અને બેલેટ યુનિટ વી.વી.પેટ સાથે અને વી.વી.પેટને કંટ્રોલ યુનિટ સાથે કેબલના માધ્યમથી જોડવામાં આવે છે. સ્ટેટ્સ ડિસ્પ્લે યુનિટ અને કંટ્રોલ યુનિટ પ્રિસાઈડીંગ ઓફિસર અથવા પોલિંગ ઓફિસર પાસે મૂકવામાં આવે છે. બેલેટ યુનિટ અને પ્રિન્ટર ડિવાઈસ વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં મૂકવામાં આવે છે.
આ પ્રક્રિયા બાદ મતદાર બેલેટ યુનિટમાં હાજર ઉમેદવારના ચૂંટણી ચિન્હની સામે વાદળી બટન દબાવીને મતદાન કરે છે. બેલેટ યુનિટમાં નોટા સહીત 16 ઉમેદવારોના ચૂંટણી ચિન્હોનો સમાવેશ થઇ શકે છે. આમ, ચાર બેલેટ યુનિટથી કુલ 64 ઉમેદવારોના ચિન્હોનો સમાવેશ કરી શકાય છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સૌપ્રથમ ઉપયોગ 1982માં કેરળ વિધાનસભા ચૂંટણી સમયે કરાયો હતો.


