- જગ્યા યુનિ.ની છે, આ દબાણો હટાવવા જ પડે, નહીં હટે તો બીજા રસ્તા છે : કુલપતિ
- AMCને કોઈ લેવાદેવા નથી, સિક્યુરિટીને સૂચના આપી હોવાનો VCનો દાવો
- મોટી સંખ્યામાં લારીઓ ગોઠવાઈ જતાં સાફ સફાઈના પણ અનેક પ્રશ્નો
ગુજરાત યુનિવર્સિટી અને એલ.ડી ઈજનેરી કોલેજની વચ્ચેના રોડ પર ગોઠવાતી ખાણી-પીણીની લાઈરીઓ હટાવી લેવા માટે કુલપતિ દ્વારા સુચના આપવામાં આવી હતી. આજે શુક્રવારે સવારે અગિયાર વાગ્યા સુધીમાં તમામ લારીઓ હટાવી લેવાનો આદેશ અપાયો હોવા છતાં એકપણ લારી ત્યાંથી હટી નથી. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, ખાણી-પીણીની લારીઓ હટાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કે તેઓને મૌખિક સુચના અપાઈ છે, હવે આગામી સમયે બીજા રસ્તાઓ અપનાવવામાં આવશે. કારણ કે, એ રસ્તો કોર્પોરેશનનો નથી, ગુજરાત યુનિવર્સિટીની માલિકીનો રસ્તો છે. માટે આ પ્રકારે શૈક્ષણિક સંસ્થાની જગ્યામાં ખાણી-પીણી બજાર ઉભુ થઈ જાય એ યોગ્ય નથી.
ગુજરાત યુનિવર્સિટી અને એલ.ડી ઈજનેરી કોલેજની વચ્ચેથી પસાર થતો રોડ ખાણી-પીણી બજાર બની ગયો છે. જેના લીધે સાંજના સમયે આ રસ્તા પર ટ્રાફીક જામ થઈ જતાં વાહન-ચાલકોને પસાર થવુ પણ મૂશ્કેલી બને છે, જ્યારે શૈક્ષણિક સંસ્થાના માલિકાના રોડ પર આ રીતે મોટી સંખ્યામાં લારીઓ ગોઠવાઈ જતાં સાફ સફાઈના પણ અનેક પ્રશ્નો ઉઠે છે.
અગાઉ વારંવાર સુચનાઓ આપવા છતા લારીઓ હટી નથી. અત્યાર સુધીના કુલપતિઓ દ્વારા કોર્પોરેશનને ખો આપી દેતા હતા. પરંતુ આ વખતે ગુજરાત યુનિવર્સિટીના નવા મહિલા કુલપતિ નિરજા ગુપ્તા દ્વારા શિક્ષણના ધામની માલિકીની જગ્યાઓમાં ઉભી રહેતી લારીઓને હટાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. આજે સોમવારે સવારે 11 વાગ્યા સુધીમાં લારી-ગલ્લા હટાવી લેવા માટે કુલપતિ દ્વારા સિક્યુરીટી મારફતે સુચના આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી એકપણ લારી-ગલ્લો દુર થયો નથી. બીજી તરફ એવી ચર્ચા હતી કે, હટાવવા માટે યુનિવર્સિટી દ્વારા કોર્પોરેશનને સુચના આપવામાં આવશે પરંતુ એ મુદ્દે કુલપતિએ કહ્યુ હતુ કે, આ ગુજરાત યુનિવર્સિટીની માલીકીની જગ્યા છે અને તેમાથી આ પ્રકારના દબાણ હટાવવાની કામગીરી પણ યુનિવર્સિટી દ્વારા જ કરવામાં આવશે.
યુનિવર્સિટીની રજૂઆત મળશે તો દબાણ દૂર કરાશે : AMC
અમદાવાદ મ્યુનિ.કર્પોરેશનના એસ્ટેટ વિભાગે કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીની આસપાસના સ્થળોએ થયેલા દબાણ મામલે યુનિવર્સિટી તરફથી રજૂઆત મળશે તો દબાણ દૂર કરાશે. કોર્પોરેશન દ્વારા દબાણને લઇને કોર્ટ કેસ ચાલતો હોવાનું હાલ અમારા ધ્યાનમાં નથી.


