- ઈંગ્લેન્ડને હરાવવા પાકિસ્તાને 287 રનથી અથવા 284 બોલ બાકી રાખીને જીતવું પડશે
- પાકિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડને અકલ્પનિય માર્જિનથી હરાવવું પડશે
- ન્યૂઝીલેન્ડનો રનરેટ પ્લસ 0.743 છે અને પાકિસ્તાનનો પ્લસ 0.036
ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની ટીમ ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે શનિવારે રમાનારી વર્લ્ડ કપની લીગ મેચ માટે મેદાનમાં ઉતરશે ત્યારે કોઇ ચમત્કાર જ તેને સેમિફાઈનલમાં પહોંચાડી શકે છે. બીજી તરફ્ ટૂર્નામેન્ટમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર 2019ની ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફય કરવાના પ્રયાસ કરશે. શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડે મેળવેલા પાંચ વિકેટના વિજયના કારણે પાકિસ્તાનની સેમિફાઈનલની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. 1992ની ચેમ્પિયન પાકિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડને અકલ્પનિય માર્જિનથી હરાવવું પડશે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.
ન્યૂઝીલેન્ડનો રનરેટ પ્લસ 0.743 છે અને પાકિસ્તાનનો પ્લસ 0.036 છે. આ સ્થિતિમાં બાબર આઝમની ટીમ પ્રથમ બેટિંગ કરે તો ઈંગ્લેન્ડને 287 રનના માર્જિનથી તથા જો રનચેઝ કરે તો 284 બોલ બાકી રાખીને વિજય હાંસલ કરવો પડે તેવી સ્થિતિ છે. આમ પાકિસ્તાનની ટીમ માટે સેમિફાઈનલમાં પ્રવેશવું મુશ્કેલ છે. જોસ બટલરની ઈંગ્લિશ ટીમ ટોપ-8 ટીમમાં રહીને 2025ની ચેમ્પિન્સ ટ્રોફી માટે ક્વોલિફય થવાના તમામ પ્રયાસ કરશે. આ ટ્રોફી માટે ઈંગ્લેન્ડની સાથે બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડ્સ પણ રેસમાં છે. ઈંગ્લેન્ડ હાલમાં સાતમા ક્રમે છે. ટૂર્નામેન્ટ પહેલાં નંબર-1 ટીમ સાથે ભારત આવેલી પાકિસ્તાનની ટીમનો છેલ્લી કેટલીક મેચને બાદ કરતાં નિરાશાજનક દેખાવ થયો છે. ઇડન ગાર્ડન્સમાં બાબરની ટીમે બે મેચ રમી હોવાના કારણે સ્થાનિક પરિસ્થિતિ અને સ્પિન ફ્રેન્ડલી પિચ અંગે તેમને વધારે અનુભવ છે. ઈંગ્લેન્ડની ટીમ તેના અભિયાનમાં સતત પાંચ મેચ હારી હતી જેના કારણે તે સેમિફાઈનલની રેસમાંથી બહાર થઇ ગઇ હતી. છેલ્લી બે મેચમાં બેન સ્ટોક્સ અને ડેવિડ મલાને સારો દેખાવ કર્યો હતો જેના કારણે શાહિન આફ્રિદી અને રઉફ્ સામેનો તેમનો મુકાબલો રોમાંચક બની શકે છે.


