- ભારતમાં બાળલગ્નનો હાલનો દર 23.5 ટકા છે
- તેલંગાણામાં 2022ના વર્ષમાં કુલ 15,297 સાઇબર ક્રાઇમ નોંધાયા
- 2020માં 5,024 કેસ અને 2021માં 10,303 કેસ સામે આવ્યા હતા
દેશમાં દરરોજ 4,320 બાળલગ્ન થાય છે પરંતુ તેમાંથી માત્ર ત્રણેક જ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યૂરો (NCRB)એ તાજેતરમાં જ જાહેર કરેલા આંકડા અનુસાર, 2021ની સરખામણીએ 2022માં બાળલગ્નના કેસ નોંધાવાની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. દેશમાં 2021માં બાળલગ્નના 1,050 કેસ નોંધાયા હતા, તેની સામે 2022માં 1,002 કેસ જ નોંધાયા હતા. બીજી તરફ, દેશમાં તેલંગાણા એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે સાઇબર ગુના નોંધાયા છે. 2022માં તેલંગાણામાં સર્વાધિક 15,297 સાઇબર ગુનાના કેસ નોંધાયા હતા. તેલંગાણા બાદ કર્ણાટકમાં 12,556 અને ઉત્તરપ્રદેશમાં 10,117 કેસ નોંધાયા હતા. સંયુક્ત રાષ્ટ્રના અનુમાન અનુસાર, દેશમાં દર વર્ષે 15 લાખ કરતાં વધારે કન્યાઓનાં લગ્ન 18 વર્ષની થયાં પહેલાં જ થઈ જાય છે. તેનો મતલબ એ કે, દેશમાં દર મિનિટે ત્રણ બાળલગ્ન થઈ રહ્યાં છે. દરમિયાન NCRBના આંકડાના વિશ્લેષણ અનુસાર, તેલંગાણામાં સાઇબર ગુના ખૂબ ઝડપથી વધી રહ્યા છે. 2020માં 5,024 કેસ અને 2021માં 10,303 કેસ સામે આવ્યા હતા. આંકડા દ્વારા ખબર પડે છે કે 28 રાજ્યોમાંથી તેલંગાણામાં સૌથી વધારે સાઇબર ક્રાઇમના કેસ નોંધાયા છે.
257 જિલ્લામાં બાળલગ્નનો દર વધારે છે
ભારતને 2030ના વર્ષ સુધીમાં બાળલગ્નથી સંપૂર્ણ મુક્ત કરાવવાના લક્ષ્ય સાથે 160થી વધારે બિનસરકારી સંગઠનોના ગઠબંધન દ્વારા મહિલાઓની આગેવાનીમાં દેશના 300 જિલ્લામાં બાળલગ્નમુક્ત ભારત અભિયાન ચલાવાઈ રહ્યું છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે-પાંચ, 2019-21 અનુસાર ભારતમાં બાળલગ્નનો હાલનો દર 23.5 ટકા છે અને દેશના 257 જિલ્લામાં બાળલગ્નનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.


