- ચૂડાના કોરડા અને સાયલાના વડિયા રોડ પર રોઝ આડું ઊતરતા ખેડૂતનું મોત
- સુરેન્દ્રનગરમાં કાર ચાલકે ખોલેલા દરવાજા સાથે બાઈક ચાલક અથડાતા મોત થયુ હતુ
- સુરેન્દ્રનગરમાં સાયકલ પર જતી બે બાળકીને બાઈક ચાલકે અડેફેટે લઈ ઈજા પહોંચાડી હતી
સુરેન્દ્રનગર શહેરમાં કારચાલકે અચાનક દરવાજો ખોલતા બાઈકચાલક સિવિલ એન્જિનિયર અથડાતાં મોત સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 4 બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.
જેમાં સાયલા તાલુકાના વડીયા ગામના ખેડૂતનું રોઝ આડુ ઉતરતા મોત થયુ હતુ. જયારે સુરેન્દ્રનગરમાં કાર ચાલકે ખોલેલા દરવાજા સાથે બાઈક ચાલક અથડાતા મોત થયુ હતુ. બીજી તરફ સુરેન્દ્રનગરમાં મહેંદી કોન લેવા સાયકલ પર જતી બે બાળકીને બાઈક ચાલકે અડેફેટે લઈ ઈજા પહોંચાડી હતી.
સાયલા તાલુકાના વડીયા ગામે રહેતા ઈશ્વરભાઈ જગમાલભાઈ દુમાદીયા અને મેહુલ દેવજીભાઈ સોલંકી ચૂડા તાલુકાના કોરડા ગામે ખાતર લેવા ગયા હતા. જયાંથી બન્ને બાઈક પર પરત ફરતા હતા. આ સમયે મેહુલભાઈ બાઈક ચલાવતા હતા. ત્યારે રસ્તા પર અચાનક રોઝ આડુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્નેને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન ઈશ્વરભાઈનું મોત થયુ હતુ. આ અંગે મૃતકના ભાઈ સોમાભાઈ દુમાદીયાએ ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જયારે સુરેન્દ્રનગરની સર્વોદય સોસાયટીમાં રહેતા સિવિલ એન્જીનિયર કિરીટકુમાર શાંતિલાલ ડગલી તા. 16મી જુલાઈએ સાંજના સમયે બાઈક લઈને ઘર તરફ જતા હતા. ત્યારે બ્રહ્મ સોસાયટીમાં ઘર પાસે ઉભેલી કારના ચાલકે દરવાજો ખોલતા બાઈક કાર સાથે અથડાયુ હતુ. જેમાં કિરીટકુમારને ગંભીર ઈજા થતા સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં સારવાર કારગત ન નીવડતા તા. 20 જુલાઈના રોજ સાંજે તેઓનું અવસાન થયુ હતુ. બનાવની મૃતકના પુત્ર મીકીનભાઈએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એચ. એસ. જાડેજા ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના આંબેડકર ચોક નજીક રહેતા રાજેશભાઈ વેગડાની દિકરી 17 વર્ષીય તન્વી અને તેમના ભત્રીજાની દિકરી 13 વર્ષીય વૈભવી તા. 20મીએ રાત્રે સાયકલ લઈને મહેંદીના કોન લેવા જતા હતા. ત્યારે માંડવરાયજી પેટ્રોલપંપ સામે એક અજાણ્યા બાઈક ચાલકે બન્નેને અડફેટે લીધા હતા. જેમાં તન્વી અને વૈભવીને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની અજાણ્યા બાઈક ચાલક સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર નરેન્દ્રસીંહ ગોહીલ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત જામનગરના મોરકંડા રોડ પર આવેલ નવાજ સોસાયટીમાં રહેતા મહમદયુસુફભાઈ સુલેમાનભાઈ મજગુલ ટ્રક ડ્રાઈવીંગ કરે છે. તા. 21મી જુલાઈના રોજ તેઓ જામનગર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી ટ્રકમાં સલ્ફર ભરીને મહારાષ્ટ્રના બોઈસર જતા હતા. ત્યારે ચોટીલા નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરવા જતા સામેથી આવતા ડમ્પરના ચાલકે બેફીકરાઈથી ચલાવી ટ્રકના કલીનરના ભાગે અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી. પરંતુ ટ્રકને નુકસાન થયુ હતુ. બનાવની ચોટીલા પોલીસ મથકે અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડી.એચ.ચાવડા ચલાવી રહ્યા છે.


