પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન ભીષણ દુર્ઘટનાની ઘટના સામે આવી છે. બલૂચિસ્તાન પાકિસ્તાનથી આઝાદ થવાની ઘોષણા બાદ આજે પ્રાંત બજારમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા અને 20 લોકો ઘાયલ થયા. વિસ્ફોટમાં બજારની અનેક દુકાનોને નુકસાન પંહોચ્યું છે. બોમ્બ વિસ્ફોટને પગલે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
પાકિસ્તાન અને બલૂચિસ્તાન વચ્ચે સંઘર્ષ
ડેપ્યુટી કમિશનર રિયાઝ ખાને બોમ્બ વિસ્ફોટ ઘટનાને લઈને માહિતી આપતા જણાવ્યું કે અધિકારીઓ દ્વારા આ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. બોમ્બ વિસ્ફોટમાં રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે અને મોટા પાયે લોકોને સુરક્ષિત રાખવા સ્થળાંતર કામગીરી શરૂ કરવામાં આવી છે. ઇજાપામનાર લોકોમાં આદિવાસી હાજી ફૈજુલ્લા ખાન ગાબીઝાઈના સુરક્ષા ગાર્ડ અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. ખુઝદાર જિલ્લાના નાલ વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક ગોળીબારમાં ચાર લેવી કર્મચારીઓના મોત થયાના થોડા દિવસો બાદ આ વિસ્ફોટ થયો છે. વધુમાં તેમણે માહિતી આપતા જણાવ્યું કે બજાર ફ્રન્ટિયર કોર્પ્સ (FC) કિલ્લાની પાછળની દિવાલને અડીને હતું. વિસ્ફોટ પછી અજાણ્યા હુમલાખોરો અને એફસી કર્મચારીઓ વચ્ચે ગોળીબાર થયો.
આ પ્રદેશ પાણ પાકિસ્તાન સાથે છેડો ફાડશે
જણાવી દઈએ કે ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો પડ્યો હતો. લાંબા સમયથી આઝાદીની લડાઈ કરતા બલૂચિસ્તાને પોતે સ્વતંત્ર થયાની થોડા દિવસો પહેલા જ ઘોષણા કરી હતી. અને હવે બલુચિસ્તાન બાદ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ આઝાદીની માંગ જોર પકડવા લાગી છે. સિંધને અલગ દેશ બનાવવાની માંગણી કરતા રાજકીય જૂથ જય સિંધ ફ્રીડમ મૂવમેન્ટ (JSFM) એ શુક્રવારે પાકિસ્તાનમાં એક હાઇવે પર શાંતિપૂર્ણ ધરણા કર્યા. સિંધુ દેશ હિમાયતી જૂથે સિંધ અને બલુચિસ્તાનમાં બળજબરીથી ગુમ થવા, ગેરકાયદેસર અટકાયત અને માનવાધિકાર ઉલ્લંઘન તરફ વૈશ્વિક ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો.
અગાઉ પણ પાકિસ્તાનમાં વિસ્ફોટની ઘટના
અગાઉ પણ પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટની ઘટનાના બનવા પામી હતી. ગત એપ્રિલ મહિનાના અંતમાં પાકિસ્તાનમાં થયેલા એક મોટા બોમ્બ વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા અને 21 અન્ય ઘાયલ થયા. આ બોમ્બ વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના વાના વિસ્તારમાં શાંતિ સમિતિના કાર્યાલય પાસે થયો હતો. એ સમય દરમિયાન બલુચિસ્તાનમાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો હતો. ઓછામાં ઓછા 24 હુમલા થયા છે જેમાં 11 સુરક્ષા કર્મચારીઓ, છ નાગરિકો અને નવ આતંકવાદીઓ સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યા છે.