- મુંબઈ સાઇબર સેલના DCP, ક્રાઇમબ્રાંચના IPSના નામે કોલ કરી ડરાવ્યા
- તપાસમાં સહકાર નહીં આપો તો મની લોન્ડરિંગ, ડ્રગ્સ કેસમાં ફિટ કરીશું : ઠગોની ધમકી
- એકાઉન્ટમાં 41,25,627ની મતા મેળવી લીધા બાદ સ્કાયપી એપથી ઓફલાઇન થઈ ગયા
સાઇબર ઠગોએ ટોરેન્ટ પાવરના નિવૃત્ત અધિકારી સાથે મુંબઈ સાઇબર સેલના ડીસીપી, ક્રાઈમ બ્રાંચના આઈપીએસ અને પીઆઈ પ્રદીપ સાવંતના નામે વાત કરી NCPના નેતા અને મની લોન્ડરિંગના કેસમાં તાજેતરમાં છૂટેલા નવાબ મલિક સાથે કનેક્શન હોવાની વાત કરી એરેસ્ટ કરવાની ધમકી આપી 41 લાખનું ઓનલાઇન ફ્રોડ કર્યાની ફરિયાદ સાઇબર સેલમાં નોંધાઈ છે. આરોપીઓએ ધમકી આપતા કહ્યું કે, તપાસમાં અમે કહીએ તેમ સહકાર નહીં આપો તો તમારી ધરપકડ કરીશું. ત્યારબાદ સ્કાયપી એપ ડાઉનલોડ કરાવી તેની પર વાતચીત શરૂ કરી અને ભોગ બનનારના કયા એકાઉન્ટમાં કેટલી રકમ છે તેની વિગતો જાણી લીધી હતી. તે પછી એન્ટ્રીઓ ચેક કરવાના બહાને ફરિયાદી પાસે જુદા જુદા એકાઉન્ટમાં 41,25,627ની મતા મેળવી લીધા બાદ સ્કાયપી એપથી ઓફલાઇન થઈ ગયા અને ફોન નંબર બંધ કરી દીધા હતા.
આનંદનગરમાં પ્રહલાદનગર ગાર્ડન પાસે ઈન્દ્રપ્રસ્થ-5માં રહેતાં શ્રેણિક રમેશચંદ્ર વૈષ્ણવ (ઉં,58)ની ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.18મીએ બપોરે એક શખ્સે ફોન કરી પોતાની ઓળખ મુંબઈ સાઇબર સેલના પીઆઈ પ્રદીપ સાવંત તરીકે આપતા કહ્યું કે, મુંબઈના મહંમદ ઈકબાલ મલિક (નવાબ મલિકે) તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી તમારા નામે 24 બેંક ખાતા ખોલાવી તેમાં ગેરકાયદે ટ્રાન્ઝેકશનો કર્યા છે. તમે ક્રિમિનલ છો, એટલે તપાસમાં સહકાર આપતા નથી. તમે સહકાર નહી આપો તો દસ મિનિટમાં પોલીસ તમારા ઘરે પહોંચી જશે. તે પછી આરોપીઓએ સ્કાયપ એપથી વાતચીત કરવા આદેશ આપ્યો હતો.
ત્યારબાદ મુંબઈ સાઇબર સેલના ડીસીપી મિલિંદ ભરાંબે, આઈપીએસ નીતિન પાટિલ ક્રાઈમ બ્રાંચ કમિશનર, આઈપીએસ જ્યોર્જ મેથ્યુ ફાઇનાન્સિયલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના નામે વાતચીત કરાવી હતી. આરોપીઓએ ફરિયાદીને CBIનો ફાઇનાન્સિયલ ડિપાર્ટમેન્ટનો એકનોલેજમેન્ટ લેટર પણ સ્કાયપી મારફતે મોકલી આપ્યો હતો. આ ઉપરાંત આરોપીઓએ ફોટો બતાવતા ફરિયાદીએ તે નવાબ મલિક હોવાનું અને ટીવીમાં જોયો હોવાથી ઓળખી કાઢયાનું જણાવ્યું હતું. તે પછી સાઇબર ઠગોએ ફરિયાદીના બેંક એકના વર્ષના સ્ટેટમેન્ટ જોયા તેમજ કઈ બેંકમાં કેટલા રૂપિયા પડયા છે તે જાણી લીધું હતું. આ રીતે ફરિયાદીને ડરાવી આરોપીઓએ એન્ટ્રી ચેક કરવાની વાત કરી પૈસા તેઓ કહે તે ખાતામાં ભરવા સૂચના આપી હતી. આ રકમ પરત મળી જશે તેવી ખાતરી આપી પહેલાં દસ લાખ, બીજા પચાસ હજાર અને પછી રૂ.30,75,627ની રકમ મળીને કુલ રૂ.41,25,627 જુદા જુદા બેંક ખાતામાં ભરાવ્યા હતા. ત્યારબાદ સ્કાયપી આઈડી બંધ કરી દીધું હતું.
ઠગો જ્યાં જાય ત્યાં ફોનનો કેમેરા ઓન રાખવાનું કહેતા, શેર પણ વેચાવ્યા
સાઇબર ઠગોેએ પોલીસના નામે દમ મારી ફરિયાદીને એ હદે ડરાવ્યો કે, ઈન્વેસ્ટિગેશન અંગે તમે કોઈને વાત કરશો તો અમે તરત જ તમને પકડી લઈશું. આ કેસમાં આજીવન કેદથી લઈને દસ વર્ષ સુધીની સજા છે. તમે તમામ રકમ અમારા કહ્યા મુજબ રકમ ટ્રાન્સફર ન કરો ત્યાં સુધી કોઈને વાત કરવી નહી અને જયાં પણ જાવ ત્યાં ફોનનો કેમેરા ઓન રાખવો. ફોન એરો પ્લેન મોડમાં રાખવો તેમજ સ્કાયપી એપ પર વાત કરવા ઘરના વાઈફાઈની સાથે ફોન કનેક્ટ રાખવો પડશે. આ ઉપરાંત ફરિયાદીના ડીમેટ ખાતામાં પડેલા શેર તત્કાળ વેચાવી તેની રકમ આરોપીઓએ કહ્યા મુજબના ખાતામાં ભરાવી હતી.
ઓનલાઈન ફ્રોડના કેસમાં 100 અથવા 1930 પર ફોન કરો
અજાણ્યા નંબર પરથી આવતા કોલ, વીડિયો કોલ, વોઇસ કોલ પર વાત કરો ત્યારે કોઈ પણ પર્સનલ વિગતો શેર ન કરો
અજાણ્યા નંબરથી આવતા મેસેજની લિંક, વોટસએપ મેસેજની લિંક કે એપ ડાઉનલોડ ન કરો
પોલીસ, ઈડી, આઈટી, સીબીઆઈ, ક્રાઈમબ્રાંચ, સાઇબર સેલના અધિકારી તરીકે કોઈ પકડવાની ધમકી આપે તો 100, 1930 નંબર પર કોલ કરો અથવા લોકલ પોલીસ સ્ટેશને જઈ જાણ કરો
સાઇબર ફ્રોડ થયાની જાણ થાય તેના છ કલાકમાં બેંકને જાણ કરશો તો તમારા ખાતામાં બીજા ખાતામાં ગયેલા પૈસા બેંક દ્વારા બ્લોક કરી દેવાશે. આ રકમ તમને પરત મળી શકે છે.
અજાણી યુવતી, મહિલા, વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ એકસેપ્ટ ન કરો


