ભારતમાં મહાકાળી માતાનાં કેટલાંક પ્રાચીન મંદિર આવેલાં છે. આ મંદિરો પૈકી ઉત્તર પ્રદેશમાં આવેલા મેરઠના એક મંદિરને સ્મશાનના મહાકાળી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર 450 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું કહેવાય છે. મેરઠની સાંકળી ગલીઓમાં સદીઓ જૂના આ ઐતિહાસિક મંદિરનું વિશેષ માહાત્મ્ય છે. આ મંદિરને સ્મશાન મહાકાળી સિવાય સિદ્ધપીઠ મહાકાળી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં મહાકાળી માતાનું અનેરું મહત્ત્વ છે, કારણ કે મહાકાળી માતાને સમય અને મૃત્યુનાં દેવી તરીકે માનવામાં આવે છે.
મેરઠના સદર બજારમાં પ્રવેશતાં આ મહાકાળી માતા મંદિરનાં ભવ્ય દર્શન થાય છે. મહાકાળી માતાના દર્શનાર્થે માત્ર આસપાસના શહેરીજનો જ નહીં, પરંતુ ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ માતાના આશીર્વાદ લેવા અહીં બારેમાસ આવે છે.
સ્મશાન મંદિર શા માટે કહેવાય છે?
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે 450થી પણ વધુ વર્ષો પહેલાં આ મંદિરની જગ્યા પર સ્મશાન હતું. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ સ્મશાન ઘાટમાં જ મહાકાળી માતાની એક જુનીપુરાણી મૂર્તિ સ્થાપિત હતી જ! કોઇ શ્રદ્ધાળુને આ વાતની જાણ થતાં જ તેણે મહાકાળી માતાની પૂજા-અર્ચના આરંભી દીધી હતી. ધીમે ધીમે આસપાસના લોકો પણ માતાજીની આરાધના કરવા લાગ્યા. ત્યારબાદ ઘણાં વર્ષો વીત્યાં બાદ એક નામી બંગાળી પરિવારે આ મહાકાળી માતાને કુળદેવી તરીકે અપનાવ્યાં અને ત્યાં ભવ્યાતિભવ્ય મંદિર બનાવ્યું. ત્યારથી અહીં ભક્તોની ભીડ બારેમાસ જોવા મળે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓની ઈચ્છાપૂર્તિ થતી હોવાથી તેને સિદ્ધપીઠ મહાકાળી મંદિર તરીકેનું નામ પણ મળ્યું. આજે અહીં આસપાસના રાજ્યના શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે પૂરા ભક્તિભાવથી આવે છે. આજે આ પણ આ મંદિરની પૂજા, અર્ચના તે બંગાળી પરિવારના સદસ્યો દ્વારા જ કરવામાં આવે છે. અત્યાર સુધી આ બંગાળી પરિવારની 11થી 12મી પેઢી તેમની પૂજા-અર્ચના કરે છે.
પાંચ મુંડ ધરાવતાં મહાકાળી માતા
જ્યારે બંગાળી પરિવારે મહાકાળી માતાને પોતાના કુળદેવી તરીકે માન્યાં હતાં, ત્યારબાદ આ પેઢીના એક સદસ્યને રાત્રે મહાકાળી માતા સપનામાં આવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, માતાજીની મૂર્તિ પાસેના એક કૂવામાં છે. સવાર પડતાં આ વાત તેમણે તેમના પરિવારજનો અને ગામના લોકોને કહી. ત્યારબાદ તપાસ કરતાં કૂવામાંથી માતાજીની અલૌકિક મૂર્તિ મળી હતી. આ મૂર્તિ કુલ પાંચ મુંડ પર બિરાજમાન છે. જેમાં સિંહનું મુંડ, શિયાળનું મુંડ, માણસનું મુંડ, વરુનું મુંડ અને બકરાના મુંડનો સમાવેશ થાય છે.
મહાકાળી માતાનાં દર્શનનો સમય
અને શૃંગાર
મહાકાળી માતાનું આ મંદિર વહેલી સવારે પાંચ વાગ્યે ખૂલી જાય છે અને તેમની નિત્ય આરતી ઉતારવામાં આવે છે. બપોરના સમયે તેમને ભોગ, પૂજન અને રાત્રિના સમયે પણ 10 વાગ્યે તેમની આરતી ઉતારવામાં આવે છે. જ્યારે પણ અહીં મહાકાળી માતાની આરતી ઉતારવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતીમાં જોવા મળે છે. વહેલી સવારે જ માતાનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે અને રાત્રે દસ વાગ્યાની આરતીમાં નગારાં સાથે તેમની ખાસ આરતી કરવામાં આવે છે. તહેવારોના સમયે અહીં વિશિષ્ટ આરતી તેમજ ભંડારો પણ કરવામાં આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માતા માટે નાળિયેર અને ચૂંદડી લાવે છે. કેટલાક સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં અંગ્રેજો પણ પોતાનું માથુ ટેકવવા આવતા હતા.
દિવાળી અને નવરાત્રિ પર વિશેષ પૂજન
આ મંદિરમાં દરેક તહેવારે પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ દિવાળી પર્વ પર અને નવરાત્રિમાં માતાને વિશેષ શણગાર કરવામાં આવે છે. દિવાળી પર્વ પર અહીં આખી રાત માતા શક્તિની ઉપાસના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન નવરાત્રિ પર્વમાં અહીં નાના મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિમાં અહીં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. દરેક અમાસના દિવસે પણ મહાકાળી માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. અમાસના દિવસે મહાકાળી માતાનાં દર્શન માત્રથી જે તે ભક્તની ઇચ્છા પૂર્ણ થાય છે એવું અહીં માનવામાં આવે છે.
મંદિર સંરચના અને અન્ય મૂર્તિઓ
આ મંદિરની સંરચના એક રીતે સામાન્ય છે, પંરતુ મંદિરનું બાંધકામ ખૂબ જ મજબૂત છે. અલબત્ત, મંદિરનું નકશીકામ ખૂબ જ સુંદર છે તેમજ પથ્થરો વડે ઘણી મૂર્તિ અહીં કંડારવામાં આવી છે. મંદિરમાં બારીકાઇથી નકશીકામ કરેલાં હાથી, મોર અને કમળ જોવા મળે છે. આ મંદિરમાં મહાકાળી માતાજીની આજુબાજુમાં હનુમાન ભગવાન તેમજ ભૈરવબાબાની નાની મૂર્તિઓ પણ જોવા મળે છે.


