- 7 વર્ષની જૂના માર્ગોની સુધારણા માટે ધારાસભ્યો દ્વારા રજૂઆતો
- 100થી વધુ ગામોના લાખો લોકોને સારા રસ્તાનો સીધો ફાયદો શશે
- નાણાની ફાળવણી કરાતા આગામી સમયે આ રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવશે
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 133 કિલોમીટરના 46 જેટલા રસ્તાઓનું 72 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરવામાં આવશે. માર્ગ મકાન વિભાગ ( પંચાયત) હેઠળના સાત વર્ષ જૂના રસ્તાઓનું કિસાન પથ યોજના તેમજ ખાસ મરામત યોજના સહિત યોજના હેઠળ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે. જેને પગલે અંદાજે 100 જેટલા ગામડાના નાગરિકોને તેનો સીધો ફાયદો થશે. મળેલી માહિતી મુજબ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક માર્ગોની હાલત ખરાબ થઈ ગઈ છે. જેને પગલે 7 વર્ષથી જૂના માર્ગોની સુધારણા માટે ગાંધીનગરના ધારાસભ્યો દ્વારા રસ્તાના કામો લખી આપવામાં આવ્યા હતા. જેમાં ચારેય તાલુકાના 47 જેટલા રસ્તાના કામોને મંજૂરી મળી હોવાની વિગતો છે. ચારેય તાલુકામાં 133 કિલોમીટરના 47 જેટલા રસ્તાનું 72 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જે અંતર્ગત ગાંધીનગર તાલુકાના 62.5 કિલોમીટરના 21 રોડની 35.70 કરોડનો ખર્ચે રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવશે. જ્યારે કલોલ તાલુકામાં 34.4 કિલોમીટરના 12 રોડનું 16.08 કરોડના ખર્ચે, દહેગામ તાલુકાના 19.5 કિલોમીટરના 5 રસ્તાનું 11.48 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આ તરફ માણસા તાલુકામાં 17.57 કિલોમીટરના 9 રોડનું 10.62 કરોડ ખર્ચે રિસર્ફેસિંગ કરવામાં આવશે. જિલ્લાના આ 47 જેટલા માર્ગોનું કિસાનપથ અને ખાસ મરામત યોજના સહિતની યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવશે. જેને પગલે 100થી વધુ ગામના લાખો નાગરિકોને આગામી સમયે સારા રસ્તાથી સીધો ફાયદો થશે. ગાંધીનગરના પાંચેય ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારમાં આવતા માર્ગો અંગે કામગીરી લખીને આપવામાં આવી હતી. જેને પગલે સરકાર દ્વારા તેને મંજૂરી આપીને નાણાની ફાળવણી કરાતા આગામી સમયે આ રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં 50 કરોડથી વધુના ખર્ચે રસ્તાઓના કામોનું આયોજન પણ ચાલી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં કલોલ તાલુકાના કામો શરુ કરવામાં આવ્યા હતા. કલોલ તાલુકામાં જ 96.45 કિલોમીટરના રસ્તાઓની કામગીરી માટે અંદાજે 15 કરોડથી વધુના ખર્ચનો અંદાજ લગાવાયો હતો.


