કોન્ટ્રાકટરોએ રસ્તા રીપેર ન કરી નફો રોકડો કરી લીધો : તંત્રના આશિર્વાદ
રાજયના કોઇપણ રસ્તાઓ પર નીકળો એટલે ખખડધજ રસ્તાઓ વાહનોના ટાયરો અને સમગ્ર વાહનને નુકશાન કરી રહ્યા છે. લોકોના હાડકાં-પાંસળા પણ ખખડી ગયા છે. આવી વ્યાપક ફરિયાદો વચ્ચે સરકારે ટોલટેકસ કોન્ટ્રાકટરોને આપેલા પરવાનાથી ૪૮૦૦ કરોડ રૂપિયાની વસુલાત રાજયમાં કરી છે. કોન્ટ્રાકટરોએ કોન્ટ્રાકટ પેટે આપેલી રકમમાંથી નફાખોરી કરવા માટે રસ્તાઓ રીપેર કરવાની જોગવાઇનું પાલન કર્યુ નથી અને તમામ રસ્તાઓ બિસ્માર થઇ ગયા હોવા છતાં સરકારની મીઠી નજર હેઠળ લોકોની ફરિયાદને દાદ આપવામાં આવતી નથી તેવી વ્યાપક લાગણી છે. ગુજરાતના કેટલાક નેશનલ હાઇવેની સ્થિતિ એવી થઇ છે કે 3 કિલોમીટરનું અંતર કાપવા માટે પણ ૧ કલાક જેટલો સમય થઇ જાય છે. ગુજરાતથી એક વર્ષમાં ટોલ પેટે સરકારને રૂપિયા ૪૮૦૦ કરોડથી વધુની આવક થઇ હોવા છતાં નાગરિકોને આવા બિસ્માર રોડથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
નાણાકીય વર્ષ ૨૦૨3-૨૪માં જે રાજયને ટોલથી સૌથી વધુ આવક થઇ હોય તેમાં ઉત્તરપ્રદેશ રૂપિયા ૬૬૯૫ કરોડ સાથે મોખરે, રાજસ્થાન રૂપિયા ૫૮૮૫ કરોડ સાથે બીજા, મહારાષ્ટ્ર રૂપિયા પ3૫૨ કરોડ સાથે ત્રીજા જયારે ગુજરાત ૪૮૫૧ કરોડ સાથે પાંચમા સ્થાને છે. આ સ્થિતિએ ગુજરાતના હાઇવેમાં ટોલથી દરરોજ સરેરાશ રૂપિયા ૧3 કરોડથી વધુની આવક થાય છે. ટોલ પેટે વાહન ચાલકોએ આટલી રકમ આપતા હોવા છતાં તેમને સામે કમર તોડી નાંખે તેવા રોડ, પાપડ જેવા નાજૂક પૂલ મળે છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક યુઝરે એક વીડિયો પોસ્ટ કરીને કોમેન્ટ કરી છે કે ચોર-લૂંટારૂ પણ અંધારામાં ચોરી કરતા હોય છે. પરંતુ ગુજરાતના નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ધોળે દિવસે લૂંટ ચલાવે છે. રાજકોટમાં ગોંડલથી પહેલા 3 કિલોમીટરનો આ ખખડધજ રસ્તો કાપવામાં ૧ કલાકનો સમય થઇ જતો હોવા છતાં તેના પણ ટોલ ચૂકવવો પડી રહ્યો છે.
ગોંડલનો આ નેશનલ હાઇવે તો આ એકમાત્ર ઉદાહરણ છે. અમદાવાદના મોટાભાગના નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવેની હાલત ચોમાસા પહેલા જ કથળેલી હતી અને વરસાદથી જાણે આ પ્રકારના રોડમાં આગમાં ઘી વધુ હોમાયું છે. લોકોનો એવો રોષ છે કે આ પ્રકારના રોડથી મુસાફરી કર્યા બાદ કમરદર્દના દર્દી ચોક્કસ બની જવાય. એટલું જ નહીં ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધોને આ રોડમાં મુસાફરી કરાવવી ખૂબ જ જોખમી પુરવાર થઇ શકે છે. હક્કિતમાં આ પ્રકારના રોડ માટે સરકારે કોઇ પ્રકારનો ટોલ જ વસુલવો જોઇએ નહી.