- સિનિયર સિટિઝન્સ માટે ગુજરાત કરતાં યુપી-બિહાર વધુ સુરક્ષિત !
- સુરક્ષાના દાવા પોકળ જા રાજ્યમાં કુલ 1,005 હત્યાના બનાવો
- અમદાવાદમાં આઠ વૃદ્ધોની, સુરતમાં ઝીરો હત્યા
NCRBના 2022ની સાલમાં રિપોર્ટ મુજબ ગુજરાતમાં 47 બનાવમાં 49 સિનિયર સિટિઝનોની હત્યા થયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હત્યાના આ બનાવમાંથી અમદાવાદ જ આઠ સિનિયર સિટિઝનની હત્યા થઈ છે. સમગ્ર દેશમાં દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ પછી અમદાવાદ સિનિયર સિટિઝનોની હત્યાના બનાવ મામલે ચોથા નંબર પર આવી ગયું છે. ક્રાઈમ સ્ટેટ ગણાતા યુપી અને બિહારના લખનઉ, ગાજીયાબાદ, કાનપુર અને પટના આ ચાર શહેરો સિનિયર સિટિઝનો માટે સુરક્ષીત માટે સુરક્ષીત હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થયું છે. મેટ્રોપોલીટન સિટી ગણાતા દિલ્હીમાં 22, બેંગ્લોરમાં 17, ચેન્નાઈમાં 11 વૃદ્ધોની 2022માં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાતમાં 2022માં કુલ 959 હત્યાના બનાવમાં 1005 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અમદાવાદમાં હત્યાના 100 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
સિનિયર સિટિઝનોની સુરક્ષાને ધ્યાને લઈ ગુજરાત પોલીસ દ્વારા તેઓની અવારનવાર મુલાકાત લઈને તેમની તકલીફો વીશે જાણકારી મેળવી તેઓને મદદ કરવાની યોજના તેમજ સિનિયર સિટિઝનોની માહિતી એકત્ર કરવામાં આવે છે. આ ઉપરાંત એકલા રહેતાં વૃદ્ધ દંપતી કે વૃદ્ધોને ત્યાં અવારનવાર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે. પોલીસની આ કસરતને પગલે 2020માં સિનિયર સિટિઝનો આરોપીઓનો ભોગ બન્યાના 2785 બનાવો સામે આવ્યા હતા. આ બનાવમાં 2021માં અને 2022માં પણ ખાસ્સો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, સિનિયર સિટિઝનનો ગંભીર ગુનાથી બચાવવા માટે પોલીસની આ કસરત પૂર્ણરૂપે કામ લાગી નથી.
હત્યા અને સાઅપરાધ મનુષ્યવધના ગુનામાં 2022માં 54 સિનિયર સિટિઝનનો મોત થયાનું તેમજ 18ની હત્યાનો પ્રયાસ થયાનું બહાર આવ્યું છે. વૃદ્ધોને માર મારવા, તેઓ પર હથિયારથી હુમલો કરવો તેમજ તેઓને ધાકધમકી આપવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સિનિયર સિટિઝનો પર થતા ગુનાનો ગ્રાફ નીચે ગયો છે પણ અન્ય મેટ્રોપોલીટન સીટીની તુલનામાં શહેરનો નંબર ઘણો પાછળ છે. સિનિયર સિટિઝનનોને ખંડણી માટે ધમકાવવાના, તેઓ સાથે વિશ્વાસઘાત, ફ્રોડ અને ફેક ડોક્યુમેન્ટ બનાવી છેતરપિંડી આચરવી વગેરે ગુના સતત બનતા રહે છે. આમ, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સિનિયર સિટિઝનોની સુરક્ષા મુદ્દે હજુ પણ નવીન રણનિતી તૈયાર કરવી પડે તેવી સ્થિતી ઉભી જ છે. સિનિયર સિટિઝનોની હત્યાનો બનાવો સહિત ગુજરાતમાં હત્યાના 959 બનાવો બન્યા જેમાં 1005 લોકોએ જીવ ગૂમાવ્યો છે. અમદાવાદ શહેરનો પણ ક્રાઈમગ્રાફ ઉચંકાઈ રહ્યો હોવાનું 2021 કરતા 2022માં શહેરમાં 193 બનાવો વધ્યા છે.
134 પ્રેમપ્રકરણમાં અને પાણીની મોકાણમાં આઠની હત્યા
ગુજરાતમાં પ્રેમપ્રકરણમાં 134 લોકોની હત્યા તેમજ પાણીની મોકાણમાં આઠ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાના બનાવો બન્યા છે.આ ઉપરાંત નાના ઝઘડાઓેએ મોટું સ્વરૂપ પકડવાના કારણે હત્યા 214 હત્યાના બનાવો બન્યા હતા. આમ, પ્રેમ પ્રકરણ, પાણી અને નાના ઝઘડાઓમાં લોકોની હત્યા થાય તે મુદ્દો પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરે છે. પોલીસ બાતમીદારોના સતત સંપર્કમાં રહેતી હોવા છતાં પણ લોકો વચ્ચે આવા સામાન્ય મુદ્દે ચાલતા ઝઘડાઓ વિશે માહિતી મેળવી બંને પક્ષે સમાધાન કરાવી કે સમજાવટથી કામ લઈને મામલો થાળે પાડી શકે તેમ છે.
ગુજરાતમાં મેલીવિદ્યા, દીકરીને દૂધ પીતી કરવી તેમજ ભ્રૂણ હત્યા હજુ પણ થાય છે!
રાજ્યમાં અંધશ્રાધ્ધામાં આવી ગયેલા કેટલાક લોકો આજે પણ મેલીવિદ્યા, દિકરીને દૂધ પીતી કરવી તેમજ ભ્રૂણ હત્યા જેવા ગુનાઓને જન્મ આપે છે. રાજ્યમાં મેલીવિદ્યાને કારણે પાંચ, બલિદાનના નામે બે અને ભ્રૂણ હત્યાના 18 બનાવો તેમજ બાળ હત્યાના છ બનાવો બન્યા હતા. આ ઉપરાંત દહેજ લેવાના વિવાદમાં 10 મહિલાની હત્યાના ચોંકાવનારા બનાવો બન્યા છે. મેટ્રો સીટી ગણાતા અમદાવાદમાં પણ બાળ હત્યા, ભ્રૂણ હત્યા તેમજ દહેજને કારણે હત્યાના ચાર જેટલા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.


