- 4 મહિના પહેલા પકડ્યો આતંકવાદનો હાથ, હવે થયા ઠાર
- ઠાર મરાયેલ તમામ 5 આતંકીઓ PAFF અને TRFન મેમ્બર્સ
- કુલગામ પોલીસ, ભારતીય સેના, CRPFનું સંયુક્ત ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકીઓની ઓળખ જાહેર કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓ PAFF અને TRF સાથે જોડાયેલા હતા. કુલગામના સામનૂમાં ઠાર મારવામાં આવેલ આતંકવાદીઓના નામ સમીર અહેમદ શેખ, યાસીલ બિલાલ ભટ, દાનિશ અહેમદ ઠોકર, હનઝુલ્લાહ યાકુબ શાહ અને ઉબેદ અહેમદ પદ્દાર છે.
કોણ છે આ આતંકીઓ?
દાનિશ અહેમદ થોકર: તે શોપિયાંનો રહેવાસી હતો અને 23 માર્ચ 2022થી TRF માટે કામ કરતો હતો.
યાસીલ બિલાલ ભટ: તે કાશ્મીરના કુલગામનો રહેવાસી હતો અને 5 મે, 2022થી આતંકવાદી સંગઠન TRF સાથે સંકળાયેલો હતો.
સમીર અહેમદ શેખ: તે જમ્મુ-કાશ્મીરના શોપિયાંનો રહેવાસી હતો. અને 3 ઓગસ્ટ, 2021થી આતંકવાદી સંગઠન PAFF સાથે સંકળાયેલો હતો.
હનઝુલ્લાહ યાકુબ શાહ: શાહ પણ કાશ્મીરના શોપિયાંનો રહેવાસી હતો અને તે 13 જુલાઈ, 2023થી આતંકવાદી સંગઠન TRF સાથે સંકળાયેલો હતો.
ઉબેદ અહેમદ પદ્દાર: તે પણ શોપિયાંનો રહેવાસી હતો અને 11 સપ્ટેમ્બર 2022થી આતંકવાદી સંગઠન TRF માટે કામ કરતો હતો.
સેનાની આ જડબાતોડ કાર્યવાહી
જણાવી દઈએ કે, કુલગામમાં ઓપરેશનના બીજા દિવસે શુક્રવારે સુરક્ષા દળોએ એક ઘરમાં છુપાયેલા આતંકીઓને રોકેટ લોન્ચર બ્લાસ્ટ કરીને ઠાર માર્યા હતા. સેનાની આ જડબાતોડ કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા. આ આતંકીઓ કુલગામ પોલીસ, ભારતીય સેના અને CRPFના સંયુક્ત ઓપરેશનમાં માર્યા ગયા હતા. ઓપરેશન અંગે એડીજીપી કાશ્મીરે કહ્યું હતું કે ઘટના સ્થળેથી વાંધાજનક સામગ્રી મળી આવી છે.
આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં જમ્મુ-કાશ્મીર પોલીસ, સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPFની ટીમોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં સેના તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ઉરી સેક્ટરમાં પણ ઠાર મરાયા બે આતંકીઓ
જણાવી દઈએ કેમ, બુધવારે જ સેનાએ નિયંત્રણ રેખા પાસે ઉરી સેક્ટરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કાર્યવાહી કરતા સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
ખરાબ વિઝિબિલિટી અને ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેના અનુસાર, માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ પીઓકેમાં લોન્ચ કમાન્ડર બશીર અહેમદ મલિક અને અહેમદ ગની શેખ તરીકે કરવામાં આવી છે. બશીરે અંકુશ રેખા પાર અસંખ્ય આતંકવાદીઓની ઘૂસણખોરીની સુવિધા આપી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.