- ખૈબર પખ્તુનખ્વા અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલ વિસ્તાર
- રવિવારે થયેલા અન્ય એક હુમલામાં થયા હતા 4 લોકોના મોત
- હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને નથી લીધી હુમલાની જવાબદારી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સોમવારે થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં 5 પોલીસકર્મીઓના મોત થયા છે. વિસ્ફોટમાં 20થી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. આ હુમલો પોલીસ પ્રોટેક્શન ટીમને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે બાજૌર જિલ્લામાં પોલિયો વિરોધી અભિયાનમાં ફરજ પરની પોલીસ ટીમને ટ્રકમાં લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન IED બ્લાસ્ટમાં 5 પોલીસકર્મીઓના મોત થયા હતા. ઘાયલોને બાજૌર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે.
અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલ છે ખૈબર પખ્તુનખ્વા
જે સ્થળે પોલીસ ટીમને નિશાન બનાવવામાં આવી હતી તે બાજૌરનો મામુંદ વિસ્તાર છે અને આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલો છે. વર્ષ 2021માં જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું છે ત્યારથી પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સાથેની આ સરહદ પર હુમલા વધી ગયા છે. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી, પરંતુ આ પહેલા પણ પાકિસ્તાની તાલિબાન પોલિયો રસીકરણ અભિયાનો પર અનેક હુમલા કરી ચૂક્યું છે. એવામાં, તાજેતરના કેસમાં પણ પાકિસ્તાન તાલિબાનની સંડોવણીને નકારી શકાય નહીં.
રવિવારે થયેલા હુમલામાં ગયા હતા 4 લોકોના જીવ
રવિવારે પણ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલામાં 4 લોકો માર્યા ગયા હતા. વાસ્તવમાં, અજાણ્યા બંદૂકધારીઓએ બે વાહનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલો પારાચિનારથી પેશાવર જતા માર્ગ પર થયો હતો. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. જો કે, આ વિસ્તાર શિયાઓ અને સુન્નીઓ વચ્ચે સાંપ્રદાયિક હિંસા માટે પણ જાણીતો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2023માં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં 419 આતંકી હુમલા થયા હતા, જેમાં 620 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં 306 સુરક્ષા જવાનો, 222 નાગરિકો અને 92 આતંકવાદીઓનો સમાવેશ થાય છે.


