દુષ્કર્મ કેસનાં આરોપીએ ફિનાઇલ પીતા પહેલા સમાચારની હેડલાઇન આપી કે
રાજકોટમાં દુષ્કર્મ કેસમાં આરોપી વિદ્યાર્થીનાં વાયરલ વીડિયોથી નવો વળાંક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદે નવો વળાંક લીધો છે. શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ, આરોપી વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર 16 મિનિટનો વીડિયો વાઇરલ કરી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વીડિયોમાં યુવકે ગંભીર આક્ષેપો કર્યા છે કે, ડિવોર્સી શિક્ષિકાએ તેને ‘હિડન બોયફ્રેન્ડ’ બનાવી રાખ્યો હતો અને હવે વિદેશ સેટ થવા માટે રૂપિયા પડાવવા ખોટી ફરિયાદ કરી બદનામ કર્યો છે. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટની શિક્ષિકા પર દુષ્કર્મ કેસમાં શિક્ષિકાએ દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે તે વિદ્યાર્થીએ 27 માર્ચે 16 મિનિટનો વીડિયો બનાવી બાદમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ વીડિયો વાઇરલ કરતા તેણે જણાવ્યું હતું કે, તેના લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને શિક્ષિકા ડિવોર્સી છે અને લિવઇનમાં બીજા સાથે રહેતી હતી. સાથે મને હિડન બોયફ્રેન્ડ તરીકે રહેવા કહી ઘરે કોઈ ન હોય ત્યારે બોલાવતી હતી.
હું ઉંમરમાં 10 વર્ષ નાનો છું તેની તેને સમજણ ન હતી, પરંતુ સમાજમાં તેની બદનામી થવા લાગતા પોતાને વિદેશ સેટ થવા રૂપિયાની જરૂર હતી માટે મારી પાસે રૂપિયાની માંગણી કરી મને દુષ્કર્મના કેસમાં ફસાવવા ધમકી આપતી હતી. મને બદનામ કરી મારા ફોટા વાઇરલ કર્યા માટે હું દવા પી જાવ છું. તારીખ 23 માર્ચ, 2026ના રોજ મારા ઉપર ફરિયાદ થયેલી છે. જેમાં શિક્ષિકાએ મારી ઉપર આરોપ લગાવ્યો છે કે, મેં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે. પણ હજુ હું કોર્ટ તેમજ કાનૂનમાં મારા આધાર પુરાવા રજૂ કરી દોષિત કે નિર્દોષ સાબિત થાવ એ પહેલા જ મીડિયામાં મારા ફોટા વાઇરલ કરી મને સમાજમાં દોષિત ઠેરવ્યો છે. હું જણાવવા માગુ છું કે, આ સમાચારની હેડલાઈન એવી હોવી જોઈએ કે 50 જગ્યાએ સબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચ માટે વિદ્યાર્થીને ફસાવ્યો. વીડિયો બનાવ્યા બાદ યુવકે ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.
વાયરલ થયેલા વીડિયોમાં યુવકે આક્ષેપ કર્યો છે કે, શિક્ષિકાએ તેની પાસેથી મોટી રકમ પડાવી મોજમજા કરી હતી. જ્યારે યુવકે વધુ પૈસા આપવાની ના પાડી, ત્યારે તેને બદનામ કરવા અને ફસાવવા માટે બળાત્કારનો ખોટો કેસ આવ્યો છે. યુવકે પુરાવા તરીકે ગૂગલ પે મારફતે શિક્ષિકાને મોકલેલા નાણાંના ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને બંને સાથે ફરવા ગયા હોય તેવી અંગત પળોની સેલ્ફી અને ફોટા પણ જાહેર કર્યા છે.
વીડિયોમાં યુવક અત્યંત ભાવુક અને આક્રોશમાં જોવા મળ્યો હતો. તેણે પ્રશ્ન કર્યો કે, “જે છોકરી મારી સાથે બિન્દાસ ફરતી હોય, તેની પર બળાત્કાર કરવાની મારે શું જરૂર હોય?” તેણે વધુમાં જણાવ્યું કે શિક્ષિકાએ તેને માનસિક રીતે તોડી નાખ્યો છે અને સમાજમાં તેની બદનામી કરી છે. વીડિયોના અંતે તેણે વિનંતી કરી કે, “મારા મર્યા બાદ મને અને મારા પરિવારને ન્યાય અપાવજો.”
હાલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. બીજી તરફ, રાજકોટ પોલીસે યુવકે રજૂ કરેલા પુરાવા અને વીડિયોની સત્યતા તપાસવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર કાયદાના દુરુપયોગ અને સાચા-ખોટાના જંગ વચ્ચે અનેક સવાલો ઉભા કર્યા છે.
માત્ર શારીરિક શોષણ જ નહીં, પરંતુ આરોપીએ શિક્ષિકાને આર્થિક રીતે પણ પાયમાલ કરી દીધી છે. વિશ્વાસમાં લઈને ધ્રુવલે શિક્ષિકા પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 6 લાખ થી વધુની મતા પડાવી લીધી હતી. ભોગ બનનારે પોતાના ભવિષ્યના વિચાર અને વિશ્વાસને કારણે આ રકમ આપી દીધી હતી.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે શિક્ષિકાને જાણવા મળ્યું કે ધ્રુવલ દેસાઈની અન્ય કોઈ યુવતી સાથે સગાઈ થઈ ગઈ છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા શિક્ષિકાએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક કર્યો હતો.


