- વર્તમાન વર્લ્ડ કપની 40 મેચમાં જ સિક્સરનો આંકડો 516 સુધી પહોંચ્યો
- 2015ના વર્લ્ડ કપના 463 છગ્ગાનો રેકોર્ડ બ્રેક થયો
- દરમિયાન સાઉથ આફ્રિકા સર્વાધિક બાઉન્ડ્રી તથા સિક્સર નોંધાવનાર ટીમ
ભારતની યજમાનીમાં રમાતો આઇસીસી વન-ડે વર્લ્ડ કપ હવે પાવરહિટર્સ તરીકે વધારે ઓળખાશે. આ વખતે વર્લ્ડ કપના ઇતિહાસના સર્વાધિક છગ્ગા નોંધાયા છે. અત્યાર સુધીનો રેકોર્ડ 2015ના વર્લ્ડ કપમાં નોંધાયો હતો જેમાં કુલ 463 સિક્સર નોંધાઈ હતી પરંતુ બુધવારે ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાયેલી મેચ સાથે વર્તમાન વર્લ્ડ કપની 40 મેચમાં જ છગ્ગાની સંખ્યા કુલ 516 સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન સાઉથ આફ્રિકા સર્વાધિક બાઉન્ડ્રી તથા સિક્સર નોંધાવનાર ટીમ બની ગઈ છે. ભારત તરફથી ભલે સુકાની રોહિત શર્મા સર્વાધિક 22 છગ્ગા ફટકારી ચૂક્યો હોય પરંતુ ભારત 54 સિક્સર સાથે યાદીમાં ઘણા નીચલા ક્રમે છે.
સાઉથ આફ્રિકાના સર્વાધિક છગ્ગા । વર્તમાન ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકન પાવર હિટર્સ શાનદાર ફોર્મમાં છે અને તેના બેટ્સમેનોએ એક જ ટૂર્નામેન્ટમાં હાઇએસ્ટ સિક્સરનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે. 2019માં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ 76 સિક્સર ફટકારી હતી. સાઉથ આફ્રિકન ટીમ અત્યાર સુધી 82 સિક્સર ફટકારી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયા (76), ન્યૂઝીલેન્ડ (66) તથા ભારત (54) પણ આ યાદીમાં છે.


