- દાહોદની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં વર્ગ-1ની તમામ જગ્યા ખાલી
- અમદાવાદ સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં વર્ગ-1માં 17 જગ્યા ખાલી
- જીએનએમમાં 126 એએનએમ માટે 54 ખાનગી નર્સિંગ સ્કૂલ કે કોલેજને મંજૂરી અપાઈ હતી
ગુજરાતમાં નર્સિંગ સેવા સઘન બનાવવા માટે સરકારી નર્સિંગ સ્કૂલ કે કોલેજને મંજૂરી આપવામાં સરકારને રસ નથી, છેલ્લા બે વર્ષમાં માંડ એક સરકારી નર્સિંગ સ્કૂલ કે કોલેજને મંજૂરી અપાઈ છે, બીજી તરફ 507 ખાનગી નર્સિંગ કોલેજ કે સ્કૂલને મંજૂરી અપાઈ છે. છેલ્લે વર્ષ 2023-24માં એમએસસી નર્સિંગની 10 ખાનગી, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ માટે 43 ખાનગી, જીએનએમમાં 126 એએનએમ માટે 54 ખાનગી નર્સિંગ સ્કૂલ કે કોલેજને મંજૂરી અપાઈ હતી. વિધાનસભા ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ આ માહિતી આપી હતી. ખાનગી શિક્ષણને પ્રોત્સાહન અપાતું હોવાથી વાલીઓને મોંઘીદાટ ફી ચુકવવી પડી રહી છે.રાજ્યમાં સરકારી ફિઝિયોથેરાપી કોલેજોના મહેકમ અંગેના સવાલના જવાબમાં સરકારે કહ્યું છે કે, અમદાવાદની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં વર્ગ-1ની 8 ભરાયેલી જ્યારે 17 જગ્યા ખાલી છે, વર્ગ -2માં 9 ભરાયેલી જગ્યા સામે 19 ખાલી છે. વડોદરામાં વર્ગ-1-2માં 3,સુરતમાં વર્ગ1-2માં 3 ખાલી જગ્યા છે. દાહોદમાં તો વર્ગ-1માં છમાંથી એકેય જગ્યા ભરાયેલી નથી, વર્ગ-2માં 2 ભરાયેલી અને 5 ખાલી છે.
સિવિલની સ્પાઈન, આંખ અને ડેન્ટલ હોસ્પિટલની સ્થિતિ
અમદાવાદ સિવિલ કેમ્પસની સ્પાઈન ઈન્સ્ટિટયૂટમાં 53ના મહેકમ સામે 17 જગ્યા ભરાયેલી જ્યારે 36 ખાલી છે, સિવિલની આંખની હોસ્પિટલમાં 37 જગ્યા ભરાયેલી જ્યારે 8 ખાલી છે, તે પૈકી 7 જગ્યા એક વર્ષ કરતાં વધુ સમયથી ખાલી છે. અમદાવાદ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં વર્ગ-1થી 4ની 197 ભરેલી અને 54 જગ્યા ખાલી છે. જામનગર ડેન્ટલ કોલેજ-હોસ્પિટલમાં 56 જગ્યા ખાલી છે.


