- મલપ્પુરમ જિલ્લામાં સૌથી વધુ 26 કેસ નોંધાયા
- ત્રિશૂર શહેર અને કોટ્ટાયમમાં 2-2 કેસ નોંધાયા
- પોલીસ તપાસ દરમિયાન અનેક ફેક એકાઉન્ટ સામે આવ્યા
કેરળના કોચ્ચિ ખાતે કલામાસેરી નજીક તાજેતરમાં ખ્રિસ્તી સમુદાયના કન્વેન્શન સેન્ટરમાં વિસ્ફોટો થયાની ઘટના પછી સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક અને ઉશ્કેરણીજનક પોસ્ટસ સામે આવી હતી. પોલીસે આવી ઉશ્કેરણીજનક પોસ્ટ સંબંધમાં 54 કેસ નોંધ્યા હતા. કેરળ પોલીસનું કહેવું છે કે તે પૈકી સૌથી વધુ 26 કેસ મલપ્પુરમ જિલ્લામાં નોંધાયા હતા. એર્નાકુલમમાં ઉશ્કેરણીજનક પોસ્ટ સંદર્ભમાં 15 તો થિરૂવનન્થપુરમમાં પાંચ કેસ નોંધાયા હતા. ત્રિશૂર શહેર અને કોટ્ટાયમમાં 2-2, પથાનામથિટ્ટા, અલાપ્પુઝા, પલક્કડ અને કોઝિકોડ ગ્રામીણ વિસ્તારમાં 1-1 કેસ નોંધાયો હતો.
પોલીસ યાદીમાં કહેવામાં આવ્યું છે કે તપાસ દરમિયાન અનેક ફેક એકાઉન્ટ સામે આવ્યા છે. ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા તે ફેક એકાઉન્ટ્સનો ઉપયોગ થયો હતો. વિસ્ફોટો પછી સોશિયલ મીડિયા પર કોમી નફરત ફેલાવવાના હેતુસર પોસ્ટ મુકાઇ હોવાની શંકા સેવાઇ રહી છે. ફેક પ્રોફાઇલના આઇપી એડ્રેસની જાણકારી મેળવવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ,એક્સ, વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા મંચોને અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સાઇબર સેલ આવા હેન્ડલ્સની ઓળખ કરવા 24એ કલાક કામ કરે છે. કેરળ પોલીસ આ પહેલાં નફરત ફેલાવવા પ્રચાર કર્યાના આરોપસર કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર વિરુદ્ધ કેસ નોંધી ચૂકી છે. ચંદ્રશેખર કલામાસેરી ખાતે થયેલા વિસ્ફોટ પછી તેમણે આપેલી ટિપ્પણીથી વિવાદોમાં છે. એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય પ્રધાને એક્સ પર નફરત ફેલાવવાનું કામ કર્યું હતું.
રાજીવ ચંદ્રશેખરે એક્સ મંચ પર કેરળના મુખ્યપ્રધાનની ટીકા કરતાં જણાવ્યું હતું કે તેઓ તુષ્ટીકરણનું રાજકારણ રમી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યા કે કેરળના મુખ્યપ્રધાન પિનરાઇ વિજયન દિલ્હીમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ સામે દેખાવો કરી રહ્યા હતા. પરંતુ કેરળમાં હમાસ માધ્યમથી જેહાદ કરવાનું કહેવામાં આવતાં રાજ્યમાં નિર્દોષ ખ્રિસ્તીઓ પર બોમ્બ વિસ્ફોટ થઇ રહ્યા છે.