– આઈટી રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યા ૩.૩૬ કરોડથી વધીને ૬.૩૭ કરોડ થઈ
– ૨૦૨૩માં ૫૩ લાખ લોકોએ પ્રથમ વખત ITR ફાઈલ કર્યું
Updated: Oct 29th, 2023
મુંબઈ : ભારત આર્થિક મોરચે હરણફાળ ગતિ ભરી રહ્યું છે. આંતરિક અને સરહદી પડકારો સિવાય બ્રેક્ઝિટ, કોરોના મહામારી, અમેરિકા સહિત વિશ્વભરમાં મંદીના એંધાણ છતા વૈશ્વિક સ્તરે અર્થજગતમાં ભારત શીર્ષસ્થાને રહ્યું છે. એક રિસર્ચ રિપોર્ટ અનુસાર ભારતમાં વ્યક્તિઓની સરેરાશ કુલ આવકમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. એસેસમેન્ટ વર્ષ ૨૦૧૩-૧૪માં સરેરાશ વ્યક્તિગત આવક આશરે રૂ. ૪.૫ લાખ હતી, જે ૨૦૨૧-૨૨માં વધીને રૂ. ૭ લાખની આસપાસ પહોંચી છે.
નાણા મંત્રાલયના ડેટા પર આધારિત તૈયાર થયેલ એક મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખિત રસપ્રદ વાત એ છે કે અમીર લોકોની સરખામણીમાં ઓછા પૈસાવાળા લોકોની આવકમાં વધુ વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન સૌથી ધનિક ૧ ટકા લોકોની આવકમાં ૪૨ ટકાનો વધારો થયો છે, જ્યારે સૌથી ઓછા પૈસાવાળા ૨૫ ટકા લોકોની આવકમાં ૫૮ ટકાનો બમ્પર વધારો થયો છે.
આકરણી વર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૨૧-૨૨ દરમિયાન આઈટીઆર ફાઇલ કરનારા વ્યક્તિગત કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ૫થી ૧૦ લાખ રૂપિયાની આવક ધરાવતા કરદાતાઓની સંખ્યામાં ૨૯૫ ટકાનો વધારો થયો છે, જ્યારે ૧૦ લાખથી ૨૫ લાખ રૂપિયાની આવક ધરાવતા કરદાતાઓની સંખ્યામાં ૨૯૧ ટકાનો વધારો થયો છે. ૨૦૧૩-૧૪માં ૫ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા ૨.૬૨ કરોડ વ્યક્તિઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું હતું. ૨૦૨૧-૨૨માં આ સંખ્યા ૩૨ ટકાની વૃદ્ધિ સાથે વધીને ૩.૪૭ કરોડ થઈ ગઈ છે.
આ સમયગાળા દરમિયાન આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યા ૩.૩૬ કરોડથી વધીને ૬.૩૭ કરોડ થઈ છે. આ લગભગ ૯૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
અંતિમ નાણાકીય વર્ષમાં આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા ૭.૪૧ કરોડ હતી, તેમાંથી ૫૩ લાખ લોકોએ પ્રથમ વખત આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું હતું.
નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે દર વર્ષે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. જોકે ભારતની કુલ વસ્તીને ધ્યાનમાં લેતાં હજુ પણ આ સંખ્યા ઘણી ઓછી જણાય છે.