- વર્ષ 2018થી 2023 દરમિયાન ભાજપને 6564 કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ પ્રાપ્ત થયું
- કોંગ્રેસને 9.5 ટકા અર્થાત રૂપિયા 1135 કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ પ્રાપ્ત થયું
- વર્ષ 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ થઇ હતી
સર્વોચ્ચ અદાલતે વર્ષ 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં ઇલેક્ટોરલ બોન્ડની કાયદેસરતાને મુદ્દે નિર્ણાયક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય હોવાનું કહીને તેના પર પ્રતિબંધ લાદી દીધો છે. ચૂંટણી ભંડોળ પ્રાપ્ત કરવાની કાર્યવાહીમાં પારદર્શકતા લાવવા ચૂંટણી બોન્ડ યોજના અમલી બની હતી. આરટીઆઇ અરજી થકી પ્રાપ્ત માહિતી મુજબ 2 થી 11 જાન્યુઆરી 2024ની મુદત દરમિયાન રૂપિયા 570 કરોડથી વધુના બોન્ડ વેચાયા હતા. વર્ષ 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ થઇ હતી.
વર્ષ 2018 થી 2023 દરમિયાન વેચાયેલા રૂપિયા 12,008 કરોડના ચૂંટણી બોન્ડ પૈકી ભાજપને 55 ટકા અર્થાત રૂપિયા 6564 કરોડનું ચૂંટણી ભંડોળ મળ્યું છે. કોંગ્રેસને 9.5 ટકા અર્થાત રૂપિયા 1135 કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ પ્રાપ્ત થયું છે.
સુપ્રીમ કોર્ટે હવે ચૂંટણી બોન્ડના બોન્ડવેચાણ સામે પ્રતિબંધ અમલી કરી દીધો છે તેવામાં પ્રશ્ન થાય જ કે ચૂંટણી બોન્ડ એટલે શું? દેશમાં ચૂંટણી બોન્ડની શરૂઆત ક્યારે થઇ? આ બોન્ડ ખરીદ કરવાથી રિટર્ન મળે છે કે કેમ? તેવા અનેક પ્રશ્નો સામે આવે છે. અહીં આપણે તે પ્રશ્નોના જવાબ જાણવા
પ્રયાસ કરીશું.
ચૂંટણી બોન્ડ એટલે શું ?
ચૂંટણી બોન્ડ એક પ્રકારનું વચનપત્ર હોય છે. ભારતીય સ્ટેટ બેન્કની પસંદગીની શાખાઓ પર કોઇપણ નાગરિક કે કંપની તરફથી તેની ખરીદી થઇ શકે છે. આ બોન્ડની મદદથી નાગરિક કે કોર્પોરેટ કંપનીઓ પોતાની પસંદગીના રાજકીય પક્ષોને દાન કરી શકે છે.
ક્યારે થઇ શરૂઆત?
ચૂંટણી બોન્ડની જોગવાઇ નાણાકીય વિધેયક 2017 સાથે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી એનડીએ સરકારે 29 જાન્યુઆરી 2018ના રોજ ચૂંટણી બોન્ડ યોજના 2018ને અધિસૂચિત કરી હતી. તે દિવસથી તેની શરૂઆત થઇ હતી.
બોન્ડ ક્યારે વેચાણ માટે ઉપલબ્ધ હોય છે?
ચૂંટણી બોન્ડ દર ત્રિમાસ (ક્વાર્ટર)ના આરંભમાં 10 દિવસની મુદત માટે સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તે મુદત દરમિયાન જ તેનું વેચાણ થતું હોય છે. સરકાર તરફથી ચૂંટણી બોન્ડની ખરીદી માટે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઇ અને ઓક્ટોબરના શરૂઆતના 10 દિવસ નક્કી થયેલા છે. લોકસભા ચૂંટણીના વર્ષમાં સરકાર તરફથી 30 દિવસની વધારાની મુદત માટે વેચાણ ઉપલબ્ધ કરાવવાની યોજના હતી.
ચૂંટણી બોન્ડ યોજનાનો હેતુ શો હતો?
ચૂંટણી બોન્ડની શરૂઆત કરતાં સરકારે દાવો કર્યો હતો કે તેને પગલે રાજકીય ફંડિંગને મોરચે પારદર્શકતા વધશે. તે બોન્ડની મદદથી પોતાની પસંદગીના રાજકીય પક્ષને ભંડોળ આપી શકાતું હતું.
રાજકીય પક્ષોને કઇ રીતે લાભ મળતો હતો?
કોઇપણ ભારતીય નાગરિક, કોર્પોરેટ અને અન્ય સંસ્થા ચૂંટણી બોન્ડ ખરીદ કરી શકતા હતા. રાજકીય પક્ષો બોન્ડને બેન્કમાં જમા કરાવીને રકમ મેળવી લેતા હતા. જે બેન્ક ગ્રાહકનું કેવાયસી વેરિફાઇડ હોય તેવા ગ્રાહકને જ બેન્ક ચૂંટણી બોન્ડ વેચતી હતી. બોન્ડ પર દાનની રકમ આપનારના નામનો ઉલ્લેખ નહોતો થતો.
બોન્ડમાં રોકાણ કરનારને વળતર મળતું હતું?
ચૂંટણી બોન્ડમાં રોકાણ કરનારને સત્તાવાર રીતે કોઇ રિટર્ન નહોતું મળતું. બોન્ડ એક રસીદ જેવા હતા. જે રાજકીય પક્ષને તમે દાનની રકમ આપવા માંગતા હોવ તેના નામે બોન્ડની ખરીદી થતી હતી. બોન્ડમાં લખેલી રકમ સંબંધિત રાજકીય પક્ષને ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.
બોન્ડ ખરીદનારને કરવેરામાં છૂટછાટ મળતી હતી?
રાજકીય પક્ષને સીધું દાન કરવાને બદલે ચૂંટણી બોન્ડના માધ્યમથી દાન આપનારને તેણે દાન કરેલી રકમ પર આવક વેરાની કલમ 80જીજીસી હેઠળ કરવેરામાં છૂટછાટ આપવાની જોગવાઇ છે.
માહિતી અધિકાર સાથે જોડાયેલો સવાલ
ચૂંટણી બોન્ડ લાવતી વખતે કહેવાયું હતું કે તેનો ઉદ્દેશ્ય રાજકીય પાર્ટીઓને મળનારા દાનમાં કાળા નાણાંને સમાપ્ત કરવાનો છે. એટર્ની જનરલ આર. વેંકટરમણીએ તેને સમર્થન આપતા સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે આ સ્કીમ રાજકીય પક્ષોને અપાતા દાનમાં વ્હાઇટ મનીના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે. જો, તેની વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકોનું કહેવું છે કે ચૂંટણી બોન્ડમાં એકદમ ઉલટું થયું છે અને બોન્ડ મારફત દાન આપનારા લોકોના નામ ગુપ્ત રાખવામા આવ્યા હતા. જેની સામે એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટ સામે તર્ક આપ્યો હતો કે નાગરિકોને યોગ્ય પ્રતિબંધોને અધીન થયા વિના કંઇપણ અને બધુ જ જાણવાનો સામાન્ય અધિકાર ન હોઇ શકે.


