- લોકરધારક માટે 31 ડિસેમ્બર પહેલાં નવા લૉકર કરાર
- લોકર્સમાં હવે ઝવેરાત અને દસ્તાવેજો જ રાખી શકાશે
- નુકસાન થાય તો બેન્કનાં લોકર્સનાં વાર્ષિક ભાડાંથી 100 ગણી જવાબદારી વધી જશે
બેન્કોના લોકર્સ માટે નવો કરાર કરવાની ડેડલાઈન 31 ડિસેમ્બર 23નાં રોજ પૂરી થાય તે પહેલા બેન્ક લોકર્સનાં ભાડામાં તોળાતો વધારો તેમજ KYCનાં આકરા નિયમોને કારણે બેન્કોનાં 56 ટકા લોકર્સ બંધ થઈ જશે તેવા સંકેતો સાંપડે છે. સોશિયલ નેટવર્ક લોકલ સર્કલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સરવે મુજબ 56 ટકા લોકર્સ ધારકો ક્યાં તો તેમનાં લોકર્સ બંધ કરાવશે અથવા તો ભવિષ્યમાં તે દિશામાં આગળ વધશે. બેન્કોનાં લોકર્સનાં ભાડામાં સતત થઈ રહેલા વધારા તેમજ KYCનાં આકરા નિયમોનું પાલન કરવાને લીધે લોકર્સ ધારકો કંટાળ્યા છે આથી હજારો લોકોએ તેમનાં બેન્ક લોકર્સ બંધ કરાવ્યા હોવાનું સરવેમાં જાણવા મળ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 36 ટકા લોકોએ તેમનાં બેન્ક લોકર્સ બંધ કરાવ્યા છે. 16 ટકા લોકો બેન્ક લોકર્સનાં ઉંચા ભાડાં ચૂકવી રહ્યા છે. તેઓ KYCનું પાલન કરી રહ્યા છે પણ હવે મોટા લોકર્સ સરન્ડર કરીને નાના લોકર્સ ભાડે રાખવાનું પસંદ કરી રહ્યા છે. 218 જિલ્લામાં 23,000 લોકોએ સરવેમાં ભાગ લીધો હતો જેમાં લોકર્સનાં વધતા ભાડાં અને KYC નિયમો સામે રોષ વ્યક્ત કરાયો હતો.
લોકર્સ એગ્રીમેન્ટ માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ
આરબીઆઈની જોગવાઈ મુજબ તમામ બેન્ક લોકર્સ ધારકે 31 ડિસેમ્બર 2023 પહેલા બેન્કો સાથે તેમનાં લોકર્સનાં ભાડાં કરાર કરવાનાં રહેશે અને બેન્કોની અને ખાતેદારની જવાબદારીઓ નક્કી કરવાની રહેશે અને લેખિતમાં તે સંબંધિત બ્રાન્ચને મોકલી આપવાની રહેશે.
અગાઉ 1 જાન્યુઆરી 2022ને છેલ્લી તારીખ જાહેર કરાઈ હતી જો કે બેન્કો તેમજ ખાતેદારો દ્વારા કરાર કરવાની દિશામાં આગળ નહીં વધવામાં આવતા તારીખ લંબાવાઈ હતી. બેન્કોએ હવે લેસર્સ અને ખાતેદારોએ લેસી તરીકેની ભૂમિકા નિભાવવાની છે. કરારમાં લોકર્સ ધારકના અધિકારો, ફરજો, લોકર્સનું ભાડું તેમજ અન્ય વિગતો જાહેર કરવાની રહેશે. બેન્કોની બેદરકારીને કારણે લોકર્સધારકને કોઈ નુકસાન થાય તો બેન્કનાં લોકર્સનાં વાર્ષિક ભાડાંથી 100 ગણી બેન્કની જવાબદારી વધી જશે. નવા નિયમો મુજબ લોકર્સમાં હવે ઝવેરાત અને દસ્તાવેજો જ રાખી શકાશે. ગેરકાયદેસર ગણાતી વસ્તુઓ કે નુકસાનકારક ચીજો મૂકી શકાશે નહીં.


