- ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચતાં નોવાક જોકોવિચનો વધુ એક રેકોર્ડ
- જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે એડ્રિયન માનારિનો પર 6-0, 6-0, 6-3થી વિજય પ્રાપ્ત કર્યો
- કોકો ગોફે માગડાલેનાને 6-1, 6-2થી હરાવી
સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચે રવિવારે ઓલ ટાઇમ ગ્રેટ ખેલાડી રોજર ફેડરરના સર્વકાલીન ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઇનલના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે એડ્રિયન માનારિનો પર 6-0, 6-0, 6-3થી વિજય પ્રાપ્ત કરીને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરતાં જ વિશ્વ વિક્રમ નોંધાવી દીધો હતો. 10 વારના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન જોકોવિચે એક કલાક અને 44 મિનિટમાં મળેલા વિજય દરમિયાન 31 વિનર ફટકાર્યા હતાં અને મેજરમાં 58મી વાર અંતિમ આઠમાં પ્રવેશ કરીને રોજર ફેડરરના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. અત્રે નોંધનીય છે કે જોકોવિચ 14મી વાર ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો અને હવે તેની નજર 25મા ગ્રાન્ડસ્લેમનો લિંગલ ખિતાબ જીતવા પર છે. હવે તેનો સામનો 12મા ક્રમના ખેલાડી ટેલર ફ્રિટ્ઝ સાતે થશે. ફ્રિટ્ઝ પાછલા વર્ષે આ કોર્ટ પર ઉપવિજેતા રહેલાં સ્ટાફાનોસ સિત્સિપાસની ઉપર 7-6 (3), 5-7, 6-3, 6-3થી વિજય પ્રાપ્ત કરીને પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો છે.
સબાલેન્કા અમાંડાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
મહિલાઓના વર્ગમાં ગયા વર્ષની ચેમ્પિયન આર્યના સબાલેન્કા અને અમેરિકન ઓપન વિજેતા કોકો ગોફએ શાનદાર વિજય સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેકંડ સીડેડ ખેલાડી સબાલેન્કાએ ગત વર્ષે પોતાનું પહેલું ગ્રાન્ડસ્લેમ જીત્યું હતું. સબાલેન્કાએ રવિવારે અમાંડા અનિસિમોવાને 6-3, 6-2થી હરાવી હતી. તેનો સામનો 16 વર્ષની મીરા એંડ્રીવા અને નવમા ક્રમની ખેલાડી બારબોરા ક્રેજસિકોવાની વચ્ચે યોજાનારા મુકાબલાના વિજેતા સામે થશે.
કોકો ગોફે માગડાલેનાને 6-1, 6-2થી હરાવી
ગયા સપ્ટેમ્બરમાં અમેરિકન ઓપનમાં પ્રથમ મેજર જીતનારી કોકો ગોફે રવિવારે માગડાલેના ફ્રેચને 6-1, 6-2થી પરાજય આપ્યો હતો. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો યૂક્રેનની માર્યા કોસ્તયુક સામે યોજાશે જેણે મારિયા ટોમાફીવાને 6-2, 6-1થી હરાવીને પ્રથમવાર મેજરના અંતિમ આઠમાં પ્રવેશ કર્યો છે.


