- જિલ્લાની 5 વિધાનસભા બેઠક વિસ્તારમાં ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન જારી
- તા. 3જી ડિસેમ્બરે ત્રીજા રવિવારે પણ મતદારોએ ઉત્સાહ બતાવ્યો
- અત્યાર સુધીમાં 10,971 લોકોએ મતદાર બનવા અરજી કરી
સુરેન્દ્રનગર જિલ્લાની5 વિધાનસભા બેઠકો જિલ્લા ચૂંટણી વિભાગે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરી છે. જેમાં તા. 1-1-2024ની સ્થિતિએ 18 વર્ષ પુરા કરનાર મતદારો પોતાના મતદાન કાર્ડ કઢાવવા માટે અરજી કરી શકે છે. ત્યારે તા. 3જી ડિસેમ્બરે ત્રીજા રવિવારે પણ મતદારોએ ઉત્સાહ બતાવ્યો હતો. અત્યાર સુધીમાં 10,971 લોકોએ મતદાર બનવા અરજી કરી છે. જેમાંથી 6,139 યુવાઓ 18થી19 વર્ષના જ છે.
આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે હવે ચૂંટણી વિભાગ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયુ છે. જેમાં વિધાનસભા ચૂંટણી બાદથી તબક્કાવાર મતદાર સુધારણા યાદી અભિયાન ચાલી રહ્યુ છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા 4 દિવસ મતદાન મથકોએ જ બીએલઓ દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આર.ચાવડાની સુચનાથી જિલ્લામાં 5 વિધાનસભા બેઠકો ઉપર 1543 મતદાન મથકોએ તા. 5મી અને તા. 26મી નવેમ્બર બાદ ગત તા. 3જી ડિસેમ્બરે મતદાર સુધારણા કામગીરી કરાઈ હતી. જેમાં સવારના 10થી સાંજના 5 સુધી થયેલ આ કામગીરીની જિલ્લા કલેકટરે રૂબરૂ સ્થળ પર જઈને મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા પણ કરી હતી. રવિવારની આ ઝુંબેશમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠકના 1543 થી વધુ બીએલઓ દ્વારા તા. 1-1-2024ની સ્થીતીએ 18 વર્ષ પુરા થતા હોય તેવા મતદારોની નોંધણી કરી ફોર્મ નંબર 6 ભરાવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં કુલ 10,791 મતદારો બનવા માટેની અરજીઓ આવી છે. જેમાંથી 18થી 19 વર્ષના હોય તેવા 6,139 યુવાઓએ અરજી કરી છે. આ ઉપરાંત અવસાન પામેલા અને જિલ્લા બહાર સ્થળાંતર થયેલા મતદારોના નામ કમી કરવાની આધારકાર્ડ સાથે મતદાર કાર્ડ લીંક કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મતદાર યાદી સુધારણા ઝુંબેશ હજુ આગામી 9 ડિસેમ્બરે હાથ ધરવામાં આવનાર છે.


