- બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા તો કેટલાક ડમી હોવાની શંકા
- અમદાવાદમાં 4.90 લાખને અસર, હવે ઈકેવાયસી કર્યા બાદ જ મફત અનાજ મળશે
- ફરી ઇકેવાયસી કરાવવું પડશે ત્યારબાદ જ સરકારની મફત અનાજની યોજનાનો લાભ લઈ શકશે
રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ. (NFSA) 2013 હેઠળ નોંધાયેલા 72 લાખ રેશનકાર્ડધારકોમાંથી 6.65 લાખ રેશનકાર્ડધારકો અને તેમાં સમાવિષ્ટ 29 લાખ લોકોના શંકાના આધારે છેલ્લા દોઢ મહિનાથી બ્લોક (સાઇલન્ટ) કરી દેવાયા છે. એટલે કે, સાઇલન્ટ રેશનકાર્ડધારકોને મફત અનાજની યોજનાનો લાભ મળી શકતો નથી. અમદાવાદમાં 1.18 લાખ રેશનકાર્ડધારકોની 4.90 લાખ લોકો વંચિત થઈ ગયા છે. આ તમામે ફરી ઇકેવાયસી કરાવવું પડશે. ત્યારબાદ જ સરકારની મફત અનાજની યોજનાનો લાભ લઈ શકશે.
રાજ્યમાં અમદાવાદ ઉપરાંત ભાવનગરમાં 70 હજાર, મહેસાણા 32 હજાર, સાબરકાંઠા 26 હજાર, રાજકોટ 38 હજાર, સુરત 60 હજાર, વડોદરા 18 હજાર, અમરેલી 21 હજાર, કચ્છ 15 હજાર, ગાંધીનગર 16 હજાર, જામનગર 19 હજાર સહિત 34 જિલ્લામાં અંદાજે 6.65 લાખ રેશનકાર્ડધારકની 29 લાખ જનસંખ્યાને કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વગર સાઇલન્ટ કરી દેવાઇ છે. પુરવઠા વિભાગને શંકા છેકે, સાઇલન્ટ કરાયેલી જનસંખ્યામાં કેટલાક મૃતક છે, તો કેટલાક ડમી છે. એટલે રેશનકાર્ડધારકો પોતાના મોબાઇલમાંથી જે મહિનામાં ઇકેવાયસી કરશે, ત્યાર પછી નવા મહિનાથી સસ્તા અનાજની દુકાનોમાંથી મફત અનાજનો લાભ લઇ શકશે. પરંતુ ઓનલાઇન એપ્લિકેશન અને સર્વરના ધાંધિયા છે. પરિપત્રમાં સુપ્રીમકોર્ટના આદેશ મુજબ ઇકેવાયસી કરવામાં જણાવાયું છે. આ અંગે પદાધિકારીઓને પણ રજૂઆત કરાઇ છે. અચાનક કરાયેલી કાર્યવાહીથી ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનને ભારે નારાજગી વ્યક્ત કરી છે.


