– ભૂરાજકીય અરાજકતા અને ઓઇલની વધતી કિંમતો અસ્થિર આર્થિક પરિસ્થિતિઓ ઉભી કરશે: ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધની પણ અસર જોવાશે
– બોન્ડ યિલ્ડમાં ઉછાળાને કારણે ૨૫ વૈશ્વિક ટેકનોલોજી શેરોને જૂન ૨૦૨૩ બાદ ફટકો
Updated: Oct 18th, 2023
અમદાવાદ : લંડન સ્થિત વિશ્લેષક અને સલાહકાર કંપની ગ્લોબલડેટાના તાજેતરના અહેવાલ અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એપલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, ટેન્સેન્ટ, સેમસંગ, ઓરેકલ અને એક્સેન્ચર જેવી ટોચની ૨૫ વૈશ્વિક ટેક કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૬૦૦ બિલિયન ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. મોટાભાગે બોન્ડ યિલ્ડમાં ઉછાળાને કારણે જ વૈશ્વિક ટેકનોલોજી શેરને જૂન ૨૦૨૩ બાદ ફટકો પડયો છે.
ભારતીય શેરબજારમાં નીચલા લેવલેથી સપ્ટેમ્બર કવાર્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો અને આઈટી શેરમાં પણ પ્રત્યાઘાતી ઉછાળો નોંધાતો હતો પરંતુ વૈશ્વિક આઈટી કંપનીઓના શેરમાં માંગમાં મંદીના કારણે બિઝનેસ આઉટલુક નેગેટીવ થતા ભારે ઘટાડો ગત ત્રિમાસિકગાળામાં જોવા મળ્યો છે.
‘એપલનો સ્ટોક ગત ત્રિમાસિકગાળા દરમિયાન રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન ૩૧ જુલાઈ, ૨૦૨૩ના રોજ ૩.૦૭ ટ્રિલિયન ડોલરના સર્વાધિક લેવલ સુધી પહોંચ્યું હતું પરંતુ ચીનની સરકારે જાહેર કંપનીઓ અને સરકાર પ્રાયોજિત એકમો તથા તેના કર્મચારીઓ પર એપલ પ્રોડક્ટો વાપરવા પર પ્રતિબંધ લાદતા શેરમાં ઘટાડો થયો છે. જોકે બાદમાં ચીનની સરકારે આ પ્રકારના કોઈપણ પ્રતિબંધના અહેવાલને ફગાવ્યો હતો.
બીજી બાજુ સૌથી વધુ વધનાર શેરમાં આલ્ફાબેટ અને મેટા પ્લેટફોર્મ ટોચ પર હતા. ૨૦૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં તેમના બજાર મૂલ્યમાં ૧૪૫ અબજ ડોલર અને ૪૬ અબજ ડોલર ઉમેરાયા હતા. આ દરમિયાન મુખ્ય સેમિકન્ડક્ટર કંપનીઓના શેરની ત્રિમાસિક કામગીરી મિશ્ર રહી હતી. એએસએમએલ, એએમડી, ટેક્સાસ ઇન્સ્ટ્મેન્ટ્સ અને એપ્લાઇડ મટીરિયલ્સ જેવી કંપનીઓએ બજાર મૂલ્ય ગુમાવ્યું છે, જ્યારે નીવિડા અને ઈન્ટેલ માર્કેટ કેપિટલ જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.
ટોપ-૨૫ પૈકી નીવિડાએ ત્રીજા ક્વાર્ટરમાં વધુ ૧૯ અબજ ડોલર એકત્ર કર્યા હતા. જોકે આ સમયગાળા દરમિયાન તેનો સ્ટોક માત્ર ૧.૮૬ ટકા જ વધ્યો હતો. ગ્લોબલડેટાના રિપોર્ટ અનુસાર ૨૦૨૩ની શરૂઆતથી આ ચિપ મેકર કંપનીના શેરમાં ૧૯૬ ટકાનો વધારો થયો છે.
કેલેન્ડર વર્ષ ૨૦૨૩ના છેલ્લા ક્વાર્ટરમાં ટેક શેરોને ત્રીજા ક્વાર્ટરની કમાણીથી બૂસ્ટ મળી શકે છે. આ કંપનીઓની કમાણીને મજબૂત ગ્રાહક માંગ અને સુધરતી અમેરિકન અર્થવ્યવસ્થાનો લાભ મળી શકે છે. જોકે ભૂરાજકીય અરાજકતા અને ઓઇલની વધતી કિંમતો અસ્થિર આર્થિક પરિસ્થિતિઓ ઉભી કરશે અને નવું ઉભું થયેલું ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ સંભવિતપણે રેલીને પાછું ખેંચી શકે છે.