- 10 બળદ 1,000 કિ.મી.નું અંતર કાપી ગાડામાં ઘી લઈને અયોધ્યા પહોંચ્યા
- 22 જાન્યુઆરીએ નવા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે આ ગાયનું ઘી વપરાશે
- ગુરુવારે કારસેવકપુરમ ખાતે ગુરુવારે મંદિર ટ્રસ્ટને ઘીની સોંપણી કરાઈ
જોધપુર ગૌશાળાથી 600 લિટર ગાયનું ઘી ગાડામાં લઈને નીકળેલા 10 બળદ અયોધ્યા પહોંચી ગયા છે. શુક્રવારે આ 10 બળદે સરયૂમાં સ્નાન કર્યું હતું. જોધપુરની મહર્ષિ સાંદીપનિ રામ ધર્મ ગૌશાળા ખાતેથી સ્ટીલની 108 કોઠીમાં 600 લિટર ગાયનું ઘી ગાડામાં લઈને આ બળદોએ 27 નવેમ્બરે પ્રસ્થાન કર્યું હતું. 7મી ડિસેમ્બરે રાતે બે વાગે ગાડા અયોધ્યા પહોંચ્યા હતા. તે પછી ગુરુવારે કારસેવકપુરમ ખાતે ગુરુવારે મંદિર ટ્રસ્ટને ઘીની સોંપણી થઈ હતી.
જોધપુર અને અયોધ્યા વચ્ચેનું અંતર 1,058 કિ.મી. છે. પાંચ બળદગાડાને ખેંચતા 10 બળદ અયોધ્યા પહોંચ્યા હતા. યાત્રાને નામ અપાયું હતું ‘શ્રી રામલલા દર્શન પૈદલ શોભાયાત્રા’. બળદગાડા સાથે જોધપુરના બે ડઝન ભક્તો પણ ટ્રકમાં સફર કરી રહ્યા હતા. બળદને પણ આરામ કરવાનો સમય આપવામાં આવતો હતો.
જોધપુરની ગૌશાળાથી અયોધ્યા મંદિર ટ્રસ્ટ સુધી પહોંચેલા ગાયના ઘીનો ઉપયોગ 22 જાન્યુઆરીએ નવા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સંબંધી વિધિમાં થશે અને તે પછી મંદિરમાં દેવપૂજા માટે તેનો ઉપયોગ થશે.
નંદીને શિવનું વાહન છે તે વિચાર સાથે પ્રતિકાત્મક રીતે બળદગાડામાં ઘી અયોધ્યા પહોંચાડવામાં આવ્યું છે. ભાગવાન રામ પણ શિવભક્ત હતા. રામ વિષ્ણુનો અવતાર હોવાથી શિવ પણ રામને ભજતા હતા.
વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે,’ગાયનું ઘી વિશિષ્ઠ ઘી છે. તેમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે. ધાર્મિક ભાવના સાથે બળદગાડામાં ઘી અયોધ્યા પહોંચ્યું છે.’
અયોધ્યા પહોંચતાં બળદ અને ટ્રકે પંચકોષી પરિક્રમા પણ કરી હતી. પંચકોશી યાત્રા તે 15 કિ.મી.નો રૂટ છે, કે જેના માર્ગમાં અયોધ્યાના મહત્ત્વના સ્થાનો આવેલા છે. હાલમાં બળદો કારસેવકપુરમમાં આરામ કરી રહ્યા છે. થોડા દિવસમાં ટ્રકમાં બળદ જોધપુર પાછા ફરશે. બળદગાડા અયોધ્યામાં જ રહેશે.
ચંપત રાયે બલિદાન આપી ચૂકેલા જોધપુરના બે કારસેવકોને યાદ કર્યા
ઘીની સોંપણી થઈ હતી તે વખતે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયને જોધપુરના બે કારસેવકોએ આપેલા બલિદાનની યાદ આપી જતાં તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. ચંપતરાયે જણાવ્યું હતું કે,’ ઘી પાઠવનારા સંતોને સલામ કરું છું. જોધપુર પ્રતિ સન્માનની લાગણી અનુભવું છું. 2 નવેમ્બર 1990ના રોજ દિગંબર અખાડા બહાર ગોળીબાર થઈ રહ્યો હતો ત્યારે પ્રોફેસર મહેન્દ્ર અરોરા અને માત્ર 19 વર્ષના સેથારામ માલીએ જીવ ગુમાવ્યા હતા. કદાચ તેમના આત્માઓએ આ કાર્ય માટે પ્રેરણા આપી હશે.’


