સૌથી વધુ પ.બંગાળમાં ૭૬.૨ ટકા, જમ્મુ કશ્મીરમાં શાંતિ જળવાઇ રહી
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર ગઇકાલે મતદાન થયું હતું. જેમાં રાત્રે 8 વાગ્યા સુધીના આંકડા મુજબ અહીં 62.90 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 76.02 ટકા મતદાન થયું છે. જમ્મુ અને કાશ્મીરની શ્રીનગર બેઠક પર 36.74 ટકા મતદાન થયું હતું, જે છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી શ્રેષ્ઠ મતદાન ટકાવારી છે. મહારાષ્ટ્રમાં 52.75 ટકા, ઉત્તર પ્રદેશમાં 57.91 ટકા અને બિહારમાં 55.92 ટકા મતદાન થયું હતું.
આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ અને ઉત્તર પ્રદેશના કેટલાક ગામોમાં ચૂંટણીના બહિષ્કારના અહેવાલો વચ્ચે આજે મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 5 વાગ્યા સુધી 62.31 ટકા મતદાન નોંધાયું હતું. આંધ્ર પ્રદેશમાં 68.04 ટકા, બિહારમાં 54.14 ટકા, ઝારખંડમાં 63.14 ટકા, મધ્યપ્રદેશમાં 68.01 ટકા, મહારાષ્ટ્રમાં 52.49 ટકા, ઓડિશામાં 62.96 ટકા, તેલંગાણામાં 61.16 ટકા અને ઉત્તર પ્રદેશમાં 56.35 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. અત્યાર સુધીમાં ચાર ચરણની લોકસભા ચૂંટણી પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.


