લોકસભા ચૂંટણી પૂર્વે તમામ નવા મતદારોને ચૂંટણી ઓળખપત્ર મળી જશે
રાજકોટ જિલ્લામાં નવા નોંધાયેલા ૧૯,૨૩૮ મતદારો પૈકી ૬૫૦૦ જેટલા મતદારોને ચૂંટણી ઓળખપત્ર મળ્યા ન હોવાનું સામે આવ્યું છે, જો કે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાનની તારીખ પૂર્વે તમામ મતદારોને ઓળખપત્ર મળી જશે તેમ જણાવ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા ૧૬ જાન્યુઆરીની સ્થિતિ મુજબ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ મતદારો ૨૩,૩૪,૮૬૧ નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો ૧૨,૦૯,૯૭૨ સ્ત્રી મતદારો ૧૧,૨૪,૮૪૩ અને અન્ય મતદારો ૪૬ નોંધાયા છે. સુધારવામાં આવેલી નવી મતદાર યાદીમાં નવા મતદારો ૩૦,૫૬૮ નવા મતદારો નોંધાયા હતા જેની સામે ૨૯,૬૪૯ મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા.
વધુમાં જિલ્લામાં નવા નોંધાયેલા ૧૯,૨૩૮ મતદારોને ચૂંટણી ઓળખપત્ર પોસ્ટ મારફતે મોકલવામા આવી રહ્યા છે જે પૈકી ૬૫૦૦ જેટલા મતદારોને ચૂંટણી ઓળખપત્ર આપવાના બાકી હોય જે તમામને મતદાનની તારીખ પહેલા ઓળખપત્ર આપી દેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું અધિક ચૂંટણી અધિકારી એન.કે. મુછારે જણાવ્યું હતું.


